પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૩


ખરા અંતઃ કરણથી એમ આશા રાખીએ છીએ કે મુડીવાળાના અને મજૂરવર્ગના સર્વે મિત્રો આવી સંભવિત (અને ખરેખરી) હકીકતનો પુરેપુરી સંભાળપૂર્વક વિચાર કરશે.

હવે મજુરોને શો વધારો આપવો જોઈએ એ પ્રશ્નનો જ વિચાર કરવાનું રહ્યું. રેફરન્સમાં તેઓ ૩૫ ટકા વધારાની માગણી કરે છે. અમે ૨૦ ટકા વધારે આપી શક્યા છીયે. ઉપર દર્શાવેલ સર્વ સંજોગોમાં અને નજીદીકના ભવિષ્યના સમય વિષે ધ્યાનપૂર્વક વિચાર કર્યા પછી અમે જે વધારો આપ્યો છે તે યોગ્ય છે, એમ જણાવવાની રજા લઇયે છીયે. ખરું જોતાં તે જોઈએ તે કરતાં વધારે છે, છતાં પણ અમે હાલના બારીક સમયને લીધે વધારે આપવાનું વાજબી ધાર્યું છે. અમદાવાદમાં પ્લેગ આવ્યો ન હોત તો મજૂરવર્ગ આ વધારાથી સંતોષ પામ્યો હોત એમ અમારું માનવું છે. હાલ તો અમદાવાદમાં પ્લેગ છે જ નહિ, અને તેથી જે સંજોગોના વિચારોને પરિણામે તેમને પ્લેગનો વધારો આપવામાં આવ્યો તે વિષે ચાલુ પ્રશ્નમાં કંઈ પણ કહેવું જોઈએ નહિ. મજુરો જો વધારે ઉદ્યોગીગી થાય અને વારંવાર નોકરી બદલવાની તેમની ટેવ મુકી દઈ તેઓ એક જ ઠેકાણે સ્થિર રહે તો વધારે નહિ તો હાલ જે વધારો તેઓ માગે છે તેટલો તેઓ જાતે હસ્તગત કરી શકે. તેઓ જો વધારે કામ કરે તો વધારે પગાર આપવાને અમે ઘણા જ ખુશી થઈશું. તેમના હાલના મિત્રો તેમને જે સર્વ લાભો કરી આપે તેના કરતાં વધારે લાભ તેમનો પોતાનો ઉદ્યોગ જ તેમને અને અમને કરી આપશે.