પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

અપ્રસ્તુત સૂચના કરીને પોતે વર્તમાન સંજોગોમાં શું આપવું જોઈએ તે પ્રશ્ન ઉડાવ્યો. આથી મહાત્મા ગાંધીજી અને તેમના સહાયકોને, મજુરોને ૩૫ ટકા માગવાની સલાહ આપ્યા સિવાય બીજો માર્ગ રહ્યો નહિ. જે મજુરો અત્યાર સુધી મોંઘવારીના વધારા તરીકે ૫૦ ટકાને વળગી રહ્યા હતા તેઓને તેમના સલાહકારોએ ખૂબ સમજાવી ૩૫ ટકા માગીને જ સંતોષ પકડવાની ભલામણ કરવાથી તેઓએ તે કંઈક આનાકાની પછી સ્વીકારી.

બંને પક્ષમાં ‘આગ્રહ’ નું તત્ત્વ તો અત્યાર અગાઉનું દાખલ થઈ ચૂક્યું હતું. તાણાવાળાઓએ જ્યારથી પોતાનું મહાજન બાંધ્યું ત્યારથી જ મજુરોમાં ઐક્ય અને આગ્રહનાં બીજ નંખાયાં હતાં. મજુરોના ઐક્યની સામે થવાને મીલમાલિકો એ પણ એક ચક્ર (ગ્રૂપ) રચ્યું. આ બે પક્ષો વચ્ચે લગભગ ૨૫ દિવસ સુધી સંપૂર્ણ રસાકરીથી છતાં કોઈ પણ કડવાશ વિના જે લડત ચાલી રહી હતી તેને આખું અમદાવાદ શહેર જ નહિ પણ આખું ગુજરાત અને કેટલેક અંશે આખો દેશ નિરખી રહ્યો હતો. આપણે આ લડતની મુખ્ય વિગતો અને તેની અંદર રહેલાં રહસ્યો તપાસીએ.

જે દિવસે મીલમજુરોએ પોતાના સલાહકારોની સલાહ સ્વીકારીને પોતાની આખી બાજી તેમને સોંપી તે દિવસથી જ મહાત્મા ગાંધીજીએ મજુરોના ઉભરાતા ઉત્સાહને શુદ્ધ દિશામાં વાળી અને તેમનામાં રહેલી ‘મસ્તી’ ની ખાસીઅતો ઉપર અંકુશ મુકી, આ લડતને ‘ધાર્મિક’ સ્વરૂપ આપવાના ઉપાયો યોજવા માંડ્યા. મજુરોના આંતર અને બાહ્ય જીવનમાં પ્રવેશ કર્યા વિના એકલી સલાહ પ્રાયઃ નિષ્ફળ