પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૩૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭


આવતું હતું કે ‘તમે પરસેવો પાડીને પૈસા રળ્યા છે તે કદિ કોઈની પાસે મફત પૈસો લેવા હાથ લાંબો ન કરશો. એમાં તમારી ઇજ્જત નથી; તમે પારકા પૈસાના જોરે લડ્યા એમ કહીને જગત્ તમારી હાંસી કરશે.’ મજુરો પણ સમજતા હતા, પણ ઘણાકોને તો ખાવાના પણ સાંસાં હતાં એટલે તેમને પૈસાની મદદ વિના છુટકો ન હતો. આવાઓને માટે કાંઈ કાંઈ કામ શોધવામાં આવ્યાં. સાબરમતી કાંઠે મહાત્માજીનો આશ્રમ બંધાતો હતો. ત્યાં ઇંટો ઉપાડવાનું, રેતી વ્હેવાનું વગેરે કામ જે મજુરો ત્યાં જતા તેમને બતાવવામાં આવતું. પ્રથમ તો મજુરો જરા સંકોચાતા, મજુરી કરવામાં નાનમ સમજતા, પણ પછી પોતે રળીને જ રોટી મેળવવામાં ઈજ્જત સમજી કામ કરવા લાગ્યા.

આ તરફથી શહેરમાં પણ કાંઈક ખળભળાટ ઉત્પન્ન થયો હતો. ઘણાકને થતું હતું કે ‘આ લડતનું શું પરિણામ આવે ? હઠ તો કોઈ છોડતા નથી.’ આથી ઘણાક ગૃહસ્થો અનેક પ્રકારની ‘વિષ્ટિઓ લઇને આવતા. કોઈ કહેતું, હાલ વીસ ટકા લઈ લો, પછીથી તુરત ૧૫ ટકા વધારવામાં આવશે; કાઈ કહેતું, ૨૦ ટકા પગારમાં બોનસ તરીકે અને ૧૫ ટકા મોંઘવારીના દાણા કે અનાજના આકારમાં મજુરાએ લેવા જોઇએ; કોઈ કહેતું મજુરોને વળી પ્રતિજ્ઞા શી? મજુરો તો તમે સલાહ આપો તો પ્રતિજ્ઞા મુકી દઈ ૨૦ ટકા લઈ લે; માલિકો હઠ ન મુકે તો મજુરોએ હઠ મુકવી જોઈએ, કારણ આમાં તો અંતે આખા ઉદ્યોગને નુકસાન છે.’ આવી આવી અનેક સૂચનાઓ અવતી હતી.