પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪


આ પ્રતિજ્ઞા લેવાઇ કે તુરત સભામાં શું શું થયું તેનું વર્ણન આપવાને માટે તો કવિની કલમ જોઇએ. સભામાં બેઠેલા પ્રત્યેક જણની આંખમાંથી ચોધારાં આંસુ ચાલી રહ્યાં હતાં. પ્રત્યેકને એમ લાગી ગયું જણાતું હતું કે કંઈ ગંભીર ભૂલ થઈ છે; મહાત્માજીને કાંઈક આપણી નબળાઈથી અથવા તો પાપથી ભારે આઘાત પહોંચ્યો છે, અને તે નબળાઈ કે પાપનું તેઓ પ્રાયશ્ચિત કરવા તૈયાર થયા છે. પલક વારમાં બધા સ્થિતિ કળી ગયા અને એક પછી એક ઉઠીને બાલવા લાગ્યાઃ ‘અમે અમારી પ્રતિજ્ઞામાંથી કદિ નહિ પડીએ. ગમે તે થઈ જાય, આકાશ પાતાળ એક થાય, તોયે નહિ પડીએ. અમારામાંના નબળાઓને અમે ઘર ઘર જઈને સમજાવીશું, અને કદિ નહિ પડવા દઈએ. આપ આ ભીષણ પ્રતિજ્ઞા મૂકો.’ આ અસર એ લોકોના આટલા બોલવામાં જ ન સમાપ્ત થઈ. બપોર સુધીમાં તો થોકેથોક મજુરો આશ્રમમાં આવવા લાગ્યા, અને મહાત્માજીને દીન કરુણ વચને પ્રતિજ્ઞા છોડવાનું વીનવવા લાગ્યા. કેટલાક મજુરો ઉત્સાહથી મજુરી માગવા લાગ્યા; કેટલાએક મફત મજુરી કરીને પોતાની મજુરીના પૈસા, જે મજુરી ન કરતા હોય અથવા ન કરી શકતા હોય તેને આપી દેવાને તૈયાર થયા. આશ્રમનો પણ તે ધન્ય દિવસ હતો. મજુરોને ઉત્તેજન આપવા માટે, કદિ તાપ પણ ન સહન કરે એવા ભાઈ શંકરલાલ બૅંકરે પણ ઇંટ, રેતી વગેરે ત્રણ ચાર દિવસ થયાં ઉપાડવા માંડ્યાં હતાં. આજ તો બ્હેન અનસૂયા પણ જોડાયાં. આશ્રમનાં સ્ત્રીપુરૂષો ઉપરાંત બાળકો પણ આમાં અતિશય ઉમંગથી ભાગ લેતાં હતાં. આ બધાંની કંઈક અવર્ણનીય