પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૪૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
 


કહો કે અમે તો શાળની મજુરી કરી છે, આ મજુરી નહિ કરી શકીએ; તો એ શબ્દો તમારા મ્હોમાં શોભી શકે છે ? હિંદુસ્તાનમાં આ જાતનો વ્હેમ પેસી ગયેલ છે. એક જ માણસે એક જ વસ્તુ કરવી જોઇએ, એ સિદ્ધાંત તરીકે ઠીક છે, પણ એ બચાવ તરીકે વપરાય તો જુદી વાત છે. મેં આ પ્રસંગે બહુ વિચાર કર્યો. મારા ઉપર એક બે ઘા આવ્યા ત્યારે મને લાગ્યું કે તમારી પાસે મારે મારો પોતાના ધર્મ રખાવવો હોય, કસમની અને મજુરીની કિંમત હું તમને બતાવવા ઈચ્છતો હોઉં, તો તમારી પાસે મારે કાંઈ પ્રત્યક્ષ પુરાવો મુકી દેવો જોઈએ. તમારી પાસે અમે મશ્કરી નથી કરતા, નાટક નથી કરતા. તમને જે વચનો કહીએ છીએ તે અમે પાળવા તૈયાર છીએ એમ તમને હું શી રીતે બતાવું? હું કંઈ ખુદા નથી કે જેથી તમને આ બીજી રીતે બતાવી શકું. તમારી પાસે હું એવું કરીને બતાવું કે જેથી તમને લાગે કે માણસની સામે તો ચોખ્ખેચોખ્ખી વાત કરવી પડશે, નાટક નથી કરી શકાવાનું. બીજી કોઈ લાલચ કે ધમકી આપીને ટેક નથી રખાવી શકાતો. લાલચ માત્ર માયાની આપી શકો છો. જેને પોતાનો ધર્મ વ્હાલો હોય, ટેક વ્હાલો હોય, દેશ વ્હાલો હોય, તે જ ટેક ન છોડે, એટલું તમે સમજી શકો છો.’

ઉપર ટાંકેલા ઉદ્‌ગારોમાં મહાત્માજીએ ‘પ્રતિજ્ઞા’ લેવાનું તાત્ત્વિક રહસ્ય અને પોતે લીધેલી પ્રતિજ્ઞાનો ઉદ્દેશ બહુ સરળ રીતે અને યોગ્ય વિસ્તારથી વ્યક્ત કર્યો છે, એટલે લંબાણના ભય છતાં પણ એ ઉદ્‌ગારો શબ્દેશબ્દ અહીં ટાંક્યા છે. એ પ્રતિજ્ઞાથી ઉત્પન્ન થયેલી સ્થિતિ એટલી તો જીજ્ઞાસા, ટીકા અને