પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬


ખબર જ આપવાની ન હતી. બે શીખામણના શબ્દ પણ કહેવાના હતા. તે પણ કહી દેવાની ગાંધીજીએ આ જ તક સાધીઃ ‘આપણે સાથે મસલત કરી છે તો હવે અમને મળ્યા વિના કસમ નહિ લેશો. જેને અનુભવ નથી, જેણે કાંઇ ખેડ્યું નથી, તેને કસમ લેવાનો અધિકાર નથી. મેં વીસ વર્ષના અનુભવ બાદ વિચાર્યું કે કસમ લેવાનો અધિકાર મને છે. કસમ લેવાને માટે તમે લાયક નથી બન્યા એમ મેં જોયું છે. માટે મોટેરાને પૂછ્યા વિના કસમ લેશો મા. કસમ લેવા પડે તો અમારી પાસે આવજો. લેવા પડે તો એમ માનજો કે જેમ આજે તેમ બીજે વખતે પણ અમે તમારે માટે મરવાને તૈયાર થઇશું. પણ તમે અમને સાક્ષી રાખીને જે કસમ લેશો તેને માટે જ અમે તમને મદદ કરશું એમ યાદ રાખજો. ભૂલથી લીધેલા કસમ તોડી પણ શકાય છે. તમારે તો કસમ કેમ લેવા, ક્યારે લેવા, તે પણ શીખવાનું છે.’

મીલમાલિકોએ આ સમાધાનીની ખુશાલીમાં મજુરાને મીઠાઈ વહેંચવાની માગણી કરી હતી તે માગણી પણ આનંદની સાથે સ્વીકારવાનો મજુરોને આ પછી આગ્રહ કર્યો હતો. મજુરોએ એ માગણી પણ હર્ષથી વધાવી લીધી હતી. સમાધાની સૌને કબૂલ છે એમ બતાવવાને પણ મજુરોના જૂદા જૂદા વિભાગમાંથી અગ્રણીઓ બ્હાર પડ્યા હતા અને ટૂંકા સમયોચિત ભાષણથી તેઓએ પોતાનો હર્ષ અને ઉપકાર દર્શાવ્યો હતો. આ પછી મજુરો અને સ્નેહીઓના આગ્રહથી ગાંધીજીએ ત્યાં જ પોતાનો ઉપવાસ તાડ્યો હતો. ઉત્તર વિભાગના કમિશનર સાહેબ મી. પ્રૅટ પણ આ પ્રસંગે