પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૫૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮


દિવસે શાળખાતાં ખોલવાનો અને મજુરોએ કામપર હાજર થવાનો જે નિશ્ચય થયો છે તેથી મને બહુ આનંદ થાય છે. હું વધારે કહેવા માગતો નથી, પણ એટલું તો કહી જ લઈશ કે કારીગરો ગાંધી સાહેબને પૂજ્ય ગણે છે, તો મીલમાલિકો પણ તેમને કાંઈ ઓછા પૂજ્ય નથી ગણતા: ઉલટા વધારે પૂજ્ય ગણે છે. આપણી એકબીજા વચ્ચેની પ્રીતિ હંમેશ રહેશે એમ ઈચ્છું છું.’

ગાંધીજીના ઉદ્‌ગારો પણ અહીં ટાંકવા જેવા છેઃ ‘મને લાગે છે કે જેમ જેમ દિવસો જતા જશે તેમ તેમ અમદાવાદને તો શું પણ હિંદુસ્તાનને આ ૨૨ દિવસની લડતને સારૂ મગરૂરી થશે અને હિંદુસ્તાન એમ માનશે કે જ્યાં આ પ્રકારે લડત ચાલી શકે છે ત્યાં આપણે બહુ આશા રાખી શકીએ છીએ. આ લડત બીલકુલ વૈરભાવ વિના ચાલી છે. મેં તો આવી લડત હજુ સુધી અનુભવી નથી. મેં ઘણી લડત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનુભવી છે પણ એકે એવી નથી જોઈ જ્યાં વૈરભાવ કે ખટાશ આટલે ઓછે અંશે હોય. જે શાંતિ લડત દરમ્યાન હતી તે જ શાંતિ હમેશને માટે રાખશો એવી મને આશા છે.’ અને આની જ ખાતર, લૉક આઉટ દરમ્યાનનો પગાર મીલમાલિકો આપે એ સમાધાનીની એક શરત હોવી જોઈએ એવો કેટલાક મજુરોને આગ્રહ ગાંધીજીએ તત્ક્ષણે જ દાબી દીધો હતો. સમાધાની સંબંધી પત્રિકામાં તો એ આગ્રહને જ નહિ, પણ એ વિચારને પણ ગાંધીજીએ તુચ્છ ગણી કાઢ્યો છે. ‘લૉક આઉટનો પગાર માગવો એ માલિકોના પૈસાથી લડત લડ્યા જેવું છે. એવો વિચાર મજુરોને શરમાવનારો છે. લડવૈયા