પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૭૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



જેમાં લાગણી અને દયાનો ભાવ રહ્યો છે એ શુદ્ધ ન્યાય કહેવાય. એને આપણે હિંદુસ્તાનના લોકો પૂર્વનો અથવા તો પ્રાચીન ન્યાય કહીએ છીએ. જેમાં લાગણી અથવા દયાનો ભાવ નથી રહ્યો તેને રાક્ષસી અથવા પશ્ચિમનો કે આધુનિક ન્યાય કહીએ છીએ. દયા અથવા લાગણીને લીધે દીકરો બાપની પાસેથી, બાપ દીકરાની પાસેથી ઘણી વખત ઘણું છોડી દે છે અને તેમ કરવામાં છેવટે બંને લાભ ઉઠાવે છે. છોડી દેવામાં છોડનાર એક પ્રકારની શુદ્ધ મગરૂરી માને છે અને એમ છોડવું એ પોતાની નબળાઇની નહિ પણ પોતાના બળની નિશાની માને છે. હિંદુસ્તાનમાં એવો જમાનો હતો કે જ્યારે નોકરો એક જ જગ્યાએ પેઢી દર પેઢી કામ કરતા. તેઓ જ્યાં કામ કરતા ત્યાંના જ કુટુંબના અંગ તરીકે ગણાતા, અને માન પામતા. શેઠના દુઃખે તેઓ દુઃખી થતા અને શેઠ તેના દુઃખસુખમાં સાથી રહેતા. એમ ચાલતું હતું ત્યારે હિંદુસ્તાનનો સંસાર ઘણો સરળ મનાતો હતો, અને હજારો વર્ષ સુધી એવા ધોરણ ઉપર રહી ટકી શક્યો. હજી પણ આ ભાવનાનો નાશ નથી થયો. જ્યાં આવી યોજના રહે છે ત્યાં ત્રીજા માણસનું કે ૫ંચનું ભાગ્યે જ કામ પડે છે. શેઠનોકર વચ્ચેના સવાલોનો નિકાલ એ બંને સાથે મળીને જ કરી લે છે. એકબીજાની ગરજ ઉપર પગારના વધારાઘટાડાનો આધાર આમાં હતો જ નહિ. નાકરોની અછત જાણીને નોકરો વધારે પગાર માગતા નહિ, અને નોકરોની છત સમજીને શેઠ પગાર ઘટાડતા નહિ.