પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૫


ન હતો. તેઓની હડતાલનો લાભ ઉપરના ગોરા લેવા ચાહતા હતા. આપણા મજુરોએ તેમ કરવા ના પાડી. તેઓએ કહ્યું: ‘અમારી લડત તો સત્યાગ્રહની છે. અમે સરકારને કનડવા નથી લડતા. એટલે તમે લડો છો તે દરમીયાન અમે અમારી લડત મેાકુફ રાખશું. આમ કહી આપણા મજુરોએ હડતાલ બંધ કરી. આને આપણે શુદ્ધ ન્યાય કહીએ. છેવટે આપણા મજુરોની જીત થઇ ને તેમાં સરકારને પણ જશ મળ્યો, કેમકે આપણી માગણી સ્વીકારવામાં ન્યાય હતો. આપણા મજુરોએ લાગણીને સ્થાન આપ્યું, સામેનાની ભીડનો તેઓએ લાભ ન લીધો. લડાઇને અંતે સરકાર તથા પ્રજા વચ્ચે વેર વધવાને બદલે પ્રેમભાવ વધ્યો, આપણું માન વધ્યું. આમ શુદ્ધ ન્યાયથી થયેલી લડત બન્ને પક્ષને લાભદાયી નીવડે છે.

તે જ ધોરણે આપણે ન્યાયની બુદ્ધિથી આપણી લડત ચલાવશું, માલિકો ઉપર વેરભાવ નહિ રાખીએ ને હમેશાં હક ઉપર જ રહીશું તો આપણે જીતશું એટલું જ નહિ પણ માલિક અને મજુરો વચ્ચે પ્રેમ વધશે.

ઉપરના દાખલામાંથી બીજું આપણે એ જોઇએ છીએ કે સત્યાગ્રહમાં બન્ને પક્ષને સત્યાગ્રહી હોવાની જરૂર નથી. એક પક્ષ સત્યાગ્રહી રહે તોપણ છેવટે સત્યાગ્રહનો જય થાય છે. ને શરૂઆતમાં ઝેર વાપરી લડે તેનું ઝેર પણ, પોતાના ઝેરની સામે ઝેર ન મળવાથી સુકાઇ જાય છે. માણસ પોતાનું જોર હવામાં કાઢવા જાય તો તેનો હાથ ઉતરી જાય છે; તેમ ઝેર પણ જો સામે ઝેર મળે તેા જ વધી શકે છે.