આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ આકાશ, મન, બુદ્ધિ અને અહંભાવ એમ આઠ પ્રકારની મારી પ્રકૃતિ છે. ૪.

નોંધ: આ આઠ તત્વોવાળું સ્વરૂપ તે ક્ષેત્ર અથવા ક્ષર પુરુષ. જુઓ ૧૩-૫; અને ૧૫-૧૬.

આ કહી તે અપરા પ્રકૃતિ. તેથી પણ ઊંચી જીવરૂપા પરા પ્રકૃતિ છે. હે મહાબાહો ! આ જગત તેને આધારે નભી રહ્યું છે.૫.

ભૂત માત્રાની ઉત્પતિનું કારણ તું આ બળને જાણ. આખા જગતમાં ઉત્પતિ અને લયનું કારણ હું છું. ૬.

હે ધનંજય ! મારા કરતાં પર એવું બીજું કંઈ નથી. જેમ સૂત્રમાં મણકા પરોવાયેલા હોય છે તેમ આ બધું (વિશ્વ) મારામાં પરોવાયેલું છે. ૭.

હે ! કૌન્તેય ! પાણીમાં હું રસ છું; સૂર્યચંદ્રની અંદરની ક્રાંતિ છું; સર્વ વેદોમાં ॐકાર હું

૭૯