આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે, સંપૂર્ણાવતારનું પાછળથી થયેલું આરોપણ છે.

અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઈશ્વરનો અવતાર છે પણ લૌકિક ભાષામાં બધાને આપણે અવતાર નથી કહેતા. જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતારરૂપે પૂજે છે. આમાં મને કંઈ દોષ નથી લાગતો; એમાં નથી ઈશ્વરની મોટાઈને ઝાંખપ, નથી એમાં સત્યને આઘાત. 'આદમ ખુદા નહીં લેકિન ખુદાકે નૂરસે આદમ જુદા નહીં.' જેનામાં ધર્મજાગૃતિ પોતાના યુગમાં સહુથી વધારે છે તે વિશેષાવતાર છે. એ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિન્દુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.

આ દૃશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઈશ્વરરૂપ થયા વિના સુખ વળતું નથી, શાન્તિ થતી નથી. ઈશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ જ ખરો અને એકમાત્ર પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આ આત્મદર્શન બધા