આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાવન કરનારાઓમાં પવન હું છું, શસ્ત્રધારીઓમાં (પરશુ)- રામ હું છું, માછલાંમાં મગરમચ્છ હું છું, નદીઓમાં ગંગા હું છું. ૩૧.

હે અર્જુન ! સૃષ્ટિઓના આરંભ, અંત અને મધ્ય હું છું. વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા હું છું, અને વિવાદ કરનારાઓનો વાદ હું છું. ૩૨.

અક્ષરોમાં અકાર હું છું, સમાસોમાં દ્વંદ્વ હું છું, ન ખૂટનારો કાલ હું છું, અને બધે અભિમુખ એવો વિધાતા પણ હું છું. ૩૩.

બધાને હરનાર મૃત્યુ હું છું, ભવિષ્યમાં ઉત્પન્ન થનારું ઉત્પત્તિકારણ હું છું, અને નારીજાતિનાં નામોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા (બુદ્ધિ), ધૃતિ (ધીરજ) અને ક્ષમા હું છું. ૩૪.

સામોમાં બૃહત્સામસ્તોત્ર હું છું, છંદોમાં ગાયત્રી છંદ છું, મહિનામાં માર્ગશીર્ષ હું છું. ઋતુઓમાં વસંત હું છું. ૩૫.

છલ કરનારનું દ્યૂત હું છું, પ્રતાપવાનનો પ્રભાવ હું છું, જય હું છું, નિશ્ચય હું છું, સાત્ત્વિક ભાવવાળાનું સત્ત્વ હું છું. ૩૬.

૧૦૬