આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
-

એવો અર્થ નથી. પરિણામનો તેમ જ સાધનનો વિચાર અને તેનું જ્ઞાન અત્યાવશક છે. એ થયા પછી જે મનુષ્ય પરિણામની ઈચ્છા કર્યા વિના સાધનમાં તન્મય રહે છે તે ફલત્યાગી છે.


પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોયે અર્થ કોઈ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંયે સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાની પરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે તે ઘણી વાર કર્મ-કર્તવ્ય-ભ્રષ્ટ થાય છે. તેને અધીરાઈ આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, તે પછી તે ન કરવાનું કરવા માંડે છે. એક કર્મમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પડ્યે જાય છે. પરિણામનું ચિન્તવન કરનારની સ્થિતિ વિષયાન્ધના જેવી થઈ જાય છે, ને છેવટે તે વિષયીની જેમ સારાસારનો, નીતિ-અનીતિનો વિવેક છોડી દે છે, ને ફળ મેળવવા