આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિયત કર્મનો ત્યાગ યોગ્ય નથી. મોહને વશ થઈને જો તેનો ત્યાગ કર્યો તો તે ત્યાગ તામસ ગણાય છે.૭.

દુઃખકારક સમજી, કાયાના કષ્ટના ભયથી જે કર્મનો ત્યાગ કોઈ કરે છે તે રાજસ ત્યાગ છે ને તેથી તેને ત્યાગનું ફળ મળતું નથી. ૮.

હે અર્જુન! કરવું જ જોઇએ એવી સમજથી જે નિયત કર્મ સંગ અને ફળના ત્યાગપૂર્વક કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. ૯.

સંશયરહિત થયેલો, શુધ્ધ ભાવનાવાળો, ત્યાગી અને બુધ્ધિમાન પુરુષ અગવડવાળાં કર્મનો દ્વેષ નથી કરતો, સગવડવાળાંથી નથી રાચતો. ૧૦.

તમામ કર્મોનો સદંતર ત્યાગ કરવો એ દેહધારીને સારુ શક્ય નથી પણ જે કર્મફળનો ત્યાગ કરે છે તે ત્યાગી કહેવાય છે.૧૧.

ત્યાગ નહીં કરનારને કર્મનું ફળ, આગળ જતાં ત્રણ પ્રકારનું થાય છે: અશુભ, શુભ અને શુભાશુભ. જે ત્યાગી (સંન્યાસી) છે તેને કદી નથી થતું. ૧૨.

૧૬૯