આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જે વડે મનુષ્ય બધાં ભૂતોમાં એક જ અવિનાશી ભાવને અને વિવિધતામાં એકતાને જૂએ છે તેને સાત્વિક જ્ઞાન જાણ. ૨૦.

જુદા જુદા (દેખાતા) હોવાથી બધાં ભૂતોમાં જે વડે મનુષ્ય જુદા જુદા વહેંચાયેલા ભાવ જુએ છે તે જ્ઞાન રાજસ જાણ.૨૧.

જે વડે, કાંઈ કારણ વિના, એક જ વસ્તુમાં બધું આવી જતું માનીને માણસ આસક્ત રહે છે અને જે રહસ્ય વિનાનું અને તુચ્છ હોય છે તે તામસ જ્ઞાન કહેવાય છે. ૨૨.

ફલેચ્છારહિત પુરુષે આસક્તિ અને રાગદ્વેષ વિના કરેલું નિયતકર્મ સાત્વિક કહેવાય છે. ૨૩.

નોંધઃ નિયતકર્મ એટલે ઈન્દ્રિયોને મનવડે નિયમમાં રાખી કરેલું કર્મઃ જુઓ નોંધ ૩-૮.

ભોગની ઈચ્છા રાખનાર 'હું કરું છું' એવા ભાવથી ધાંધલપૂર્વક જે કર્મ કરે તે રાજસ કહેવાય છે. ૨૪.

પરિણામોનો, હાનિનો, હિંસાનો, કે પોતાના ગજાનો વિચાર કર્યા વિના મોહને વશ થઇને મણસ જે કર્મ આરંભે તે તામસ કર્મ કહેવાય છે.૨૫.

૧૭૨