આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લોભથી ચિત્ત મલિન થયેલાં હોવાથી તેઓ ભલે કુલનાશથી થતા દોષને અને મિત્રદ્રોહના પાપને ન જોઈ શકે, પણ હે જનાર્દન ! કુલનાશથી થતા દોષને સમજનારા અમને આ પાપમાંથી બચવાનું કેમ ન સૂઝે ? ૩૮-૩૯.

કુલનો નાશ થયો એટલે પરાપૂર્વથી ચાલતા આવેલા કુલધર્મો નાશ થાય, અને ધર્મનો નાશ થયો એટલે તો અધર્મ કુલ આખાને ડુબાવી દે છે. ૪૦.

હે કૃષ્ણ ! અધર્મની વૃદ્ધિ થવાથી કુલસ્ત્રીઓ દૂષિત થાય છે. અને તેમના દૂષિત થવાથી વર્ણનો સંકર થાય છે. ૪૧.

આવો સંકર કુલઘાતકને અને તેના કુલને નરકમાં પહોંચાડે છે અને પિંડોદકની ક્રિયાથી વંચિત થવાથી તેના પિતરોની પણ અવગતિ થાય છે. ૪૨.

કુલઘાતક લોકોના આ વર્ણસંકરને-ઉત્પન્ન-કરનારા દોષોથી સનાતન કુલધર્મોનો અને જાતિધર્મોનો નાશ થાય છે. ૪૩.