આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરજનનો ભેદ કરી કૌરવ સગા છે તેથી તેમને કેમ હણાય એ વિચાર મોહજન્ય છે. હવે અર્જુનને ક્ષત્રિયધર્મ શો છે તે બતાવે છે.

સ્વધર્મનો વિચાર કરીને પણ તારે અચકાવું ઉચિત નથી, કારણ કે ધર્મયુદ્ધ કરતાં ક્ષત્રિયને માટે બીજું કંઈ વધારે શ્રેયસ્કર હોય નહીં. ૩૧.

હે પાર્થ ! આમ પોતાની મેળે પ્રાપ્ત થયેલું, ને જાણે સ્વર્ગદ્વાર જ ખૂલ્યું નહીં હોય એવું યુદ્ધ તો ભાગ્યશાળી ક્ષત્રિયોને જ મળે છે. ૩૨.

જો તું આ ધર્મપ્રાપ્ત સંગ્રામ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિ બંને ખોઈ પાપ વહોરી લઈશ. ૩૩.

બધા લોકો તારી નિંદા નિરંતર કર્યા કરશે. અને માન પામેલાને માટે અપકીર્તિ એ મરણ કરતાં પણ બૂરી વસ્તુ છે. ૩૪.

જે મહારથીઓમાં તું માન પામ્યો તેઓ તને ભયને લીધે રણમાંથી નાઠેલો માનશે અને તેમની વચ્ચે તારો દરજ્જો ઊતરી જશે. ૩૫.

૧૭