આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપવાસાદિ આવશ્યક છે, પણ તેમની જડ એટલે તેમને વિશે રહેલો રસ તો કેવળ ઈશ્વરની ઝાંખી થયે જ શમે. ઈશ્વરસાક્ષાત્કારનો જેને રસ લાગ્યો હોય તે બીજા રસોને ભૂલી જ જાય.

હે કૌન્તેય ! ડાહ્યો પુરુષ યત્ન કરતો હોય છતાં ઈન્દ્રિયો એવી તો વલોવી નાખનારી છે કે તેનું મન બળાત્કારે હરી લે છે. ૬૦.

એ બધી ઇન્દ્રિયોને વશમાં રાખી યોગીએ મારામાં તન્મય થઈ રહેવું જોઈએ. કેમ કે પોતાની ઇન્દ્રિયો જેના વશમાં છે તેની જ બુદ્ધિ સ્થિર રહે છે. ૬૧.

નોંધ :એટલે કે વ્યક્તિ વિના - ઈશ્વરની સહાય વિના, પુરુષ-પ્રયત્ન મિથ્યા છે.

વિષયોનું ચિંતવન કરનાર પુરુષના મનમાં તેમને વિશે આસક્તિ ઉત્પન્ન થાય છે. આસક્તિમાંથી કામના થાય છે અને કામનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ૬૨.

નોંધ : કામનાવાળાને ક્રોધ અનિવાર્ય છે, કેમ કે કામ કોઈ દિવસે તૃપ્ત થતો જ નથી.

૨૪