આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાગરહિત થઈને યજ્ઞાર્થે કર્મ કર. ૯.

નોંધ : યજ્ઞ એટલે પરોપકારાર્થે, લોકકલ્યાણાર્થે, ઈશ્વરાર્થે કરેલાં કર્મ.

પ્રજાને યજ્ઞસહિત ઉત્પન્ન કરીને પ્રજાપતિ બ્રહ્મા બોલ્યા: 'આ યજ્ઞ દ્વારા તમે વૃદ્ધિ પામજો. એ તમને ઈચ્છિત ફળ આપો. ૧૦.

તમે યજ્ઞ દ્વારા દેવોને પોષો અને એ દેવો તમને પોષે. આમ એકબીજાને પોષીને તમે પરમ કલ્યાણને પામો. ૧૧.

યજ્ઞ વડે સંતુષ્ટ થયેલા દેવો તમને ઈચ્છિત ભોગ આપશે. જે કોઈ, વળતર આપ્યા વિના, તેમણે આપેલું ભોગવે છે તે અવશ્ય ચોર છે.' ૧૨.

નોંધ: અહીં દેવ એટલે ભૂતમાત્ર, ઈશ્વરની સૃષ્ટિ. ભૂતમાત્રની સેવા તે દેવસેવા અને તે જ યજ્ઞ.

જે યજ્ઞમાંથી વધેલું જમનારા છે તે બધાં પાપોથી મુક્ય થાય છે. જેઓ પોતાને જ અર્થે પકાવે છે તેઓ પાપ ખાય છે. ૧૩.

અન્નમાંથી ભૂતમાત્ર પેદા થાય છે. અન્ન વરસાદથી પેદા થાય છે. વરસાદથી યજ્ઞ થાય છે. અને યજ્ઞ કર્મથી થાય છે. ૧૪.

૩૨