આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પવિત્ર સ્થાનમાં, બહુ ઊંચું નહીં ને બહુ નીચું નહીં એવું, તેમ જ દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર ઉપરાઉપર પાથરેલું એવું સ્થિર આસન પોતાને સારુ કરી, ત્યાં એકાગ્ર મને બેસી ચિત્ત અને ઈન્દ્રિયોને વશ કરી તે યોગી આત્મશુદ્ધિને સારુ યોગ સાધે. ૧૧–૧૨.

સ્થિરપણે કાયા, ડોક અને મસ્તક સમરેખામાં અચલ રાખીને, આમતેમ ન જોતાં પોતાના નાસિકાગ્ર ઉપર નજર ટેકવીને, પૂર્ણ શાન્તિથી, ભયરહિત થઈને, બ્રહ્મચર્યને વિશે દૃઢ થઈને, મનને મારીને મારામાં પરાયણ થયેલો યોગી મારું ધ્યાન ધરતો બેસે. ૧૩–૧૪.

નોંધ : નાસિકાગ્ર એટલે ભ્રૂકુટી વચ્ચેનો ભાગ. (જુઓ ૫-૨૭) બ્રહ્મચારીવ્રત એટલે કેવળ એક વીર્યસંગ્રહ જ નહીં પણ બ્રહ્મ પામવાને સારુ આવશ્યક અહિંસાદિ બધાં વ્રતો.

આમ જેનું મન નિયમમાં છે એવો યોગી આત્માનું અનુસન્ધાન પરમાત્માની સાથે કરે છે ને મને પામવામાં રહેલી મોક્ષરૂપ પરમ શાંતિ મેળવે છે. ૧૫.

૭૦