પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૦૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળક રડ્યું
૧૦૧
 


હાલ ખડની ઓરડીમાં.”

અરધા ભાગમાં ઘાસ, અને અરધો ભાગ ખાલી : ખડકી ની ડાબી બાજુએ ઓરડો હતો. ત્યાં ખાલી ભાગમાં માએ પુત્રીને ખાટલો પાથરી ઉપર બે ગાભા ગોદડાંના પાથરી દીધા. ગોદડાં નીચે જૂનું લીલવણી ચરાઉ ઘારા નાખીને બિછાનું પોચું પાલદાર અને ઊંચું બનાવ્યું. બનાવતાં બનાવતાં માના મોંમાંથી કોઈ કોઈ વાર બબડાટ નીકળતો હતો : “કાયદો ! માના હૈયાથી ઉપરવટ જાનારો કાયદો ક્યાંય થતો હશે ? લે બાપ, સુઇ જા ! હું તારી પાસે બેસું ?”

“ના મા, તું જાતી રે’, મને સૂવા દે. મારે નીંદર કરવી છે.”

એટલું કહેતી કહેતી અજવાળી ખાટલાની ઈસને જોર કરીને બાઝી રહી – માએ જોયું ને પૂછ્યું : “દાગરને બોલાવી લાવું, હેં ગગી ?”

“ના, મા, મટી જશે. તું જા.”

“ઠીક માડી. બારણું અમથું જ દઈ વાળું છું હો ! તારો બાપ પાછો ફરશે ને, તયેં મારી જરૂર હોય તો એને કહીને મને બોલાવજે હો, બીશ મા… ઈ બાપડા જીવને પેટમાં કાંઈ પાપ થોડું છે ?”

“તું — તું ઊઠીને આમ બોલી રહી છો, માડી ? આનું સારું બોલી શકછ તું, મા ? આ રાખસનું !”

“બોલીશ મા બેટા, આપણી તો અસ્ત્રીની જાત. અસ્ત્રીનું હૈયું જ એવું ઘડ્યું છે ને, બાઈ ! અભાગિયો જીવ કઠણ થઈ થઈને તે કેટલોક થાય ? મનમાં કાંઈ ન આણવું બાઈ !”

આટલું બોલીને મા ગઈ. એના ગયા સુધી મહામહેનતે દબાવી રાખેલી વેણ્ય અજવાળીના કાબૂમાંથી છૂટીને એની કમર પર ચડી બેઠી. એણે ઊઠીને ખાટલાના પાયા પકડી લીધા. કોઈ આત્મસ્ફુરિત સાનથી એણે જોશ કરવા માંડ્યું.

એણે જોરથી દાંત પીસી લીધા. એના હોઠ દબાઈ ગયા. અને થોડી વાર પછી એને જ્યારે ભાન થયું ત્યારે એના હાથમાં કશોક સુંવાળો સુંવાળો સ્પર્શ ગલીપચી મચાવતો હતો. એણે અંધારે અંધારે હાથ પસવાર્યો.

રાત્રિનો વરસાદ રહી ગયો હતો છતાં, બંધ પડેલા તંબૂરાના બાકી રહેલા ઝણકારા જેવાં નેવલાં ટપાક ટપાક ચૂતાં હતાં. ચૂતાં નેવાંનું હરએક ટીપું પાણીના ખાબોચિયામાં, નાના બાળકના બોલ જેવું, પડતું હતું. ભરવાડોની ઝોકમાં તાજાં વિયાયેલાં મેંઢાં દયામણી બૂમો પાડતાં હતાં. તાજા મેઘે ઝબકોળાયેલી ધરતી દેશાવરેથી વળેલા પિયુના દેહસ્પર્શ જાણે કે પ્રથમ વારની દેહ-ફોરમ ફોરાવતી હતી. અંધારાની અંદર એ સ્વરો તેમ જ એ સુગંધ જાણે કે આકાર ધારણ કરીને નજરોનજર દેખાતાં હતાં.

એવી સૃષ્ટિ વચ્ચે અંજુના હાથમાં પૂરા બાળકનો સ્પર્શ જડ્યો. અજવાળીના હાથને આંખો ફૂટી. પોતાની ને બાળકની વચ્ચે એણે એક રસી બંધાયેલી દીઠી. એ હતું નાળ. કુદરતી કોઈ સંજ્ઞા થઈ. અજવાળીએ દાંતથી પકડીને નાળ કાપી નાખ્યું. બાળકને એ બચીઓ ભરવા લાગી. બાળકે પહેલી ચીસ પાડી. અજવાળીના કાને અણસુણ્યું સંગીત સુણ્યું. એણે બાળકને પોતાના સ્તને લગાવી લીધું.

પછી એ ધાવતા બાળકના માથા પર અને દેહ પર માનો હાથ ફર્યો.

ખડકીનું બારણું ખખડ્યું. ઊઘડેલું બારણું પાછું ધબાધબ અવાજે બિડાયું. પરસાળ પર ઓખાઈ જોડાના ને કડિયાળી ડાંગના ધબકારા બોલ્યા. અને એ જ વખતે બાળક રડ્યું.