પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અદાલતમાં
૧૨૯
 


આસ્તેથી જ આજ્ઞા કરી. પોલીસે અજવાળીને પગની ઠેસ મારીને ઉઠાડી પાંજરામાં પેસાડી.

આરોપીની સામે નજર સરખી પણ કર્યા વગર શિવરાજે ચાર્જશીટનું ઉતાવળું વાચન કર્યું.

“બાઈ અજવાળી, બાપનું નામ વાઘા, જાતે કુંભાર, તા. અમુકના રોજ મધરાત પછી જાતે તારા બાળકની હત્યા કરી, તેને ગોઝારે કોઠે ઘાતકીપણે મૂકી આવવાનો તારા પર આરોપ છે. ઈશ્વરને માથે રાખીને બોલ, તેં મજકૂર ગુનો કર્યો છે કે નહીં ?”

આ બધું જ શિવરાજે નીચે મોંએ વાંચી નાખ્યું. અજવાળીને એ કાંઇ સંભળાયું નહીં. કશું બોલ્યા વિના એ ઊભી રહી. ત્યાં શિરસ્તેદારે એને ઘાંટો પાડીને પૂછ્યું : “બોલ, બાઈ, ઈશ્વરને માથે રાખીને બોલ. તેં આ ગુનો કર્યો છે કે નહીં ? સાહેબ પૂછે છે તેનો જવાબ દે.”

“ના, મને ખબર નથી.” આરોપીએ એટલું બોલતાં બોલતાં પીંજરામાંથી પોતાનું હાડપિંજર શિવરાજની સામે ધસતું મૂક્યું ને માથું ધુણાવ્યું. પોતે કાંઈક મોંમાં વાગોળતી હોય તેવી તરેહથી એનાં જડબાં એકબીજા સાથે ભરડાયાં.

“જોઈને રાંડ ?” પ્રેક્ષકોએ અંદર અંદર વાતો કરી. છે ને મિજાજનું ઘોયું ! લાજતી નથી ને ગાજે છે. જોયું ઉછાળા કેવા મારે છે ! એવી છોકરી મારે હોય તો ગળકી જ ન ભીંસી નાખું ! ભોંમાં જ ભંડારી દઉંને ! આંહીં ને આંહીં માથું ફાડી નાખું, હો કે !”

પછી પોલીસ પ્રોસિક્યુટર ખડા થયા. “નામદાર કોર્ટ !” એ શબ્દોથી શરૂ કરતાં એણે પોતાના યુનિફોર્મના ડગલાનાં ચકચકિત બટનો પર આંગળીઓ ફેરવી.

“નામુકર જનારી આ ઓરતે પોતાના નવા અવતરેલા બાળકને, એ બાળક હરામના હમેલનું હોવાથી, ગળકી દબાવીને ગૂંગળાવી માર્યું છે. તે પછી ગુનો છુપાવવા માટે એણે આ બાળકની લાશનો એક ભયંકર જગ્યાએ નિકાલ કરી નાખ્યો છે. તે અપકૃત્ય બન્યું છે. ઓરતજાતને લાંછન લગાડનારું ઘાતકી કામ આ આરોપીએ કર્યું છે. મારી પાસે તેના તમામ પુરાવા છે. પુરાવા સચોટ છે તેની હું નામદાર કોર્ટને ખાતરી કરાવી આપીશ. નામદાર કોર્ટને તાબેદાર અરજ કરે છે કે મારા સાક્ષીઓની જુબાની લેવી શરૂ કરે.”

“સાક્ષીઓને બોલાવો.”

પહેલો સાક્ષી પોલીસ-હવાલદાર કાંથડ હતો. એના પગનાં બ્લેકિંગ લગાવેલાં કાળાં તોતિંગ બૂટ ચમચમ્યાં. એક આખું સસલું શેકીને ખાઈ જાય તેટલું પહોળું એનું મોં હતું. એની પીળી પાઘડીની કિનાર પસીને રેબઝેબ હતી. બાકીનો પસીનો એના યુનિફોર્મને ઉપસાવતી મોટી ફાંદ પર પડતો હતો — જે રીતે મોટા શિવલિંગ પર જળાધારી ચૂતી હોય છે.

એણે લખાવ્યું : “અમુક અમુક દિવસની સવારે કુંભારણ બાઈ કડવીએ મને ખબર આપ્યા કે ગોઝારે કોઠે એક મૂએલું છોકરું પડ્યું છે. ત્યાં જઈ, છોકરું કબજે લઈ ફોજદારસાહેબના હુકમથી હું દાક્તરસાહેબ પાસે લઈ ગયો. એ જ દિવસે બપોરે મેં કુંભારણ બાઈ કડવી અને તેના ધણીની જુબાનીઓ લીધી, ને મને ફોજદારસાહેબે કુંભારપરાના ઘરે ઘરે જઈ તાજી સુવાવડી કોણ કોણ ઓરત છે તેની તપાસ કરવા ફરમાવ્યું. પરિણામે ઓરત અજવાળી એક જ મને એ હાલતમાં માલૂમ પડી. મેં પછી એને પરહેજ કરી દાક્તરી તપાસ માટે દવાખાને મોકલી.”

“બસ. નામદાર !” કહેતા પ્રોસિક્યૂટર બેસી ગયા.