પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અદાલતમાં
૧૩૩
 


“ઠીક છે બાપા, તમારે પરતાપે નજર તો લાંબી પડે છે હજી. ખાધેપીધે સુખિયાં છૈયેં. ઘી, ગોરસ, દૂધ, દહીં…”

“હાં, ઠીક ત્યારે જુઓ, તમે કાંથડ હવાલદારને તો ઓળખો છો ને ?”

“ઈને શું. ઈની માનેય ઓળખું છું, સા’બ ! કાંથડ તો મારી આગળ છોકરું હતો.”

“ત્યારે જુઓ, આ સામે બારણું છે ને તેની પાસે ત્રણ જણા ઊભા છે, એમાંથી કાંથડ હવાલદાર કયા ?”

“કયો ? કાંથડ ને ? એ જોવોને, આ — આ — ઓલ્યો છેલ્લો ઊભો છે ઈ.”

અદાલતમાં હસાહસ, ચાલી. કડવીએ ખોટો માણસ દેખાડ્યો. કડવીને બેસારી દીધી.

“ચોથો શાહેદ : ઇસ્પિતાલનો જુવાન હાઉસ-સર્જન. સવાલ-જવાબ ચાલ્યા :

“બાઈ અજવાળીને લાવવામાં આવી ત્યારે તમને એની સ્થિતિ કેવી લાગેલી ?”

“ચાર-પાંચ દિવસની સુવાવડી હોય તેવી.”

“શા પરથી એમ માન્યું ?”

“એણે શરીર તપાસવાની ના પાડી અને —”

“અને શું ?”

“એ મારી ગરદન પકડવા દોડી, ને પછી બેભાન બની ગઈ.”

“સબૂર.” શિવરાજે પૂછ્યું, “એની શરીર-તપાસની પરવાનગી દાક્તરે મેજિસ્ટ્રેટ પાસેથી મેળવી હતી ?”

પ્રોસિક્યૂટરે માથું ખંજવાળ્યું. એ મૂંઝાઈને શાહેદ તરફ ફર્યા, જવાબ ન દીધો. શિવરાજે શાહેદને પૂછ્યું :

“તમે ક્વૉલિફાઈડ ડૉકટર છો કે ?”

“હા જી.’

“તો તો તમને ખબર હોવી જોઈએ કે મેજિસ્ટ્રેટની રજા વગર કોઈપણ ઓરતનું શરીર, એની મરજી વિરુદ્ધ તમારાથી તપાસી શકાય નહીં.”

“હા જી.”

“ને તપાસો તો તમને સખત સજા થાય.”

“હા સાહેબ.”

“એટલે કે તમે એને નહોતી તપાસી ?”

“ના સાહેબ.”

“બેસી જાવ.”

એ કરડાઈમાં ને કરડાઈમાં એણે પ્રોસિક્યૂટરને પૂછ્યું : “હવે કોઈ શાહેદ છે તમારો ?”

“ના સાહેબ, પત્યું”. ‘પત્યું’ શબ્દ પ્રોસિક્યુટરનું ‘મામેકં શરણં’ સમો બન્યો હતો.

બપોરના આરામને માટે અદાલત ઊઠી. શિવરાજ ચેમ્બર તરફ ચાલ્યો. દીવાલ પર એણે અંગ્રેજી મુદ્રાલેખ દેખ્યો :

“જગતમાં પરમ પવિત્ર એક ઇન્સાફ જ છે.”

વાંચીને એનું મસ્તક નીચે ઢળ્યું. પોતે જાણે ઇન્સાફનો દ્રોહી હતો.

આરામ પૂરો થયે અદાલત ફરીથી બેઠી. શિવરાજ પોતાની ચેમ્બરમાંથી નવી ઝલક લઈને આવ્યો હતો. એના મોં પર બધું જ પાર ઊતરી ગયાની નિરાંત હતી. એ આવ્યો