પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
અપરાધી
 


હતો, અથવા ‘મા ગણતો હતો’ તે શબ્દો સાચા નથી. શિવરાજને સંસારમાં ‘મા’ જેવું કંઈ જ નહોતું. બીજા છોકરાને જ્યારે જ્યારે શિવરાજ પોતપોતાની માતાઓ સાથે ટંટા અને જીદ કરતો જોતો, અથવા ‘મા’ કહી બોલાવતા સાંભળતો, ત્યારે એને નવાઈ થતી. પોતાને એટલું જ થતું કે બીજાઓ ‘મા’ 'મા’ કરે છે ત્યારે જે ભાવ અનુભવતા હશે તે ભાવ પોતે ‘માલુજી’ કહે ત્યારે અનુભવે છે તેવો જ હશે.

બાપુની પાસે પુત્ર અરધો કલાક બેઠો, પણ બાપુ શબ્દ સરખોય બોલ્યા નહીં. ફક્ત બાપુ શિવરાજની સામે ગંભીર હસતા મુખે જોતા રહ્યા, ને છેલ્લે કહ્યું : “હવે સૂઈ જવું છે ?”

શિવરાજે માલુજીની સામે જોયું. માલુજીએ ઊઠવા કહ્યું. પથારીમાં પડ્યા પછી બે જ મિનિટમાં એનાં નસકોરાંની બંસી બોલી. માલુજી પરસાળમાં બેસી માળા ફેરવવા લાગ્યો. દેવનારાયણસિંહના ખંડમાંથી તે રાત્રિએ, ઘણા દિવસ પછી, સિતારના ધીરા ધીરા ઝંકાર સંભળાયા. એમાં મીંડ ઘૂંટાવા લાગી. સોરઠી દુહાના માઢ સૂરો દેવનારાયણસિંહની આંગળી નીચે. તાજાં જન્મેલાં કુરકુરિયાંની માફક સળવળતા હતા.

સિતાર બંધ કરીને દેવનારાયણસિંહ ઊઠ્યા. પુત્રના ઓરડામાં હળવે પગલે આવ્યા. પુત્રના કપાળ પર હાથ મૂક્યો. નિહાળીને કંઈક જોયું. પછી શાંત પગલે પાછા જઈ પોતાના બુજરગ ટેબલ પર બેઠા, અને ચાવી વતી એક ખાનું ઉઘાડીને ચામડાના પૂંઠાવાળી એક નોટબુક કાઢી. એના ઉપર લખ્યું હતું : “નર્મદાની રોજનીશી’. એનાં ઘણાં પાનાં લખેલાં હતાં. કોરે પાને પોતે ચીપી ચીપીને લખ્યું :

“તારા બાળકનું મોં આજે પહેલી જ વાર નીરખીને જોયું. તારા જમણા લમણા પર જે તલ હતો, અસલ તેવો જ તલ તારા બાળકને પણ જમણે લમણે ઊગ્યો છે.”

એટલું લખીને એણે રોજનીશી પર ચામડાનું પૂંઠું લપેટી લીધું, ફરતી દોરી વીંટાળીને મેજના ખાનામાં મૂકી ચાવી લગાવી. એ બધી ક્રિયામાં એક ડાહ્યા વેપારીની સમતા હતી.

વળતા દિવસે બાપ-દીકરા વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ. પિતાએ કંઈ જ ન પૂછ્યું, પુત્રે જ શરૂઆત કરી : “હવે મારે શું કરવું ?”

“અભ્યાસ કરવો છે ?”

“હા.”.

“શાનો ?”

“મેટ્રિક તો થઈ જાઉં; પછી વકીલનું ભણું.”

વળતા દિવસથી શિવરાજ સ્થાનિક હાઈસ્કૂલમાં જોડાયો. બાપુએ પોતાના અંતરની ઉમેદના ભાંગી પડેલા ટુકડાને ક્યાંય દેખાવા દીધા નહીં. એની કલ્પનામાં વેદધર્મનો ઝંડો ફરકાવનાર એક આર્યસમાજી બ્રહ્મચારી રમતો હતો; વકીલાત, દાક્તરી કે રજવાડી સરકારી નોકરી કરનાર પરાધીન પુત્રનો મનોરથ નહોતો મેળ ખાતો. એને તો પુત્રનું તેજના અંબાર પ્રકટાવતું ભાવનામય લલાટ, વેદધર્મના ભાસ્કર જેવું, જીવનગગનમાં ઘૂમતું નિહાળવું હતું.

કારણ એ હતું કે દેવનારાયણસિંહનાં એક ભટકતી વિધવા બ્રાહ્મણી સાથે લગ્ન કરી આપનાર માઈના પૂત વીશ વર્ષો પર આર્યસમાજીઓ જ હતા. રઝળતી નર્મદાને ભોળવી-ભગાડીને વટલાવી નાખવાનો પ્રપંચ કરનાર ટોળીનો સામનો રાજકોટ સિવિલ સ્ટેશનની હદમાં તે દિવસે આર્યસમાજીઓએ જ કર્યો હતો. મદ્રાસી ડેપ્યુટીને ઘેર નર્મદાને નોકરીએ રખાવી દેનાર પણ એ વખતના વિરલ ‘સમાજિસ્ટો’ જ હતા. છેલ્લે નર્મદા સાથેનો