પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૪૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
અપરાધી
 


સમાધિ લેવા ખુશી હતી. એક જ વખતનો ઢળેલો સ્નેહ, પુરુષના હૈયાનું એક જ ક્ષણનું ફરેબી પ્રીતિ-દાન, એ પ્રીતિના કરવૈયાની તમામ કુટિલતા કરતાં વધુ પવિત્ર, અતિ ઊંચેરું હતું. અને એ શું ચમત્કાર હતો ? સરસ્વતીએ વિચાર કર્યો : હું પોતે જ એ સ્થિતિમાં શું કરું ? મારો શિવરાજ મને આવો ફરેબ દેનાર નીવડત, તો હું કેવી રીતે વર્તી હોત ?અન્યથા આચરણ કરવાનું સ્ત્રીહૃદયને માટે શક્ય નથી. અજવાળી નામ નહીં આપે. એ દલીલને માર્ગે અજવાળીને મનાવી લેવાનું અશકય હતું.

“કાંઈ નહીં, બહેન !” એણે બીજો માર્ગ અજમાવ્યો, “છો નામ ન લેતી. પણ અદાલતની દયા મેળવવાનો માર્ગ ગ્રહણ કરવામાં શું ખોટું છે ? કોઈ સ્ત્રીને પોતાના બાળકનો જીવ લેવાનું ગમતું નથી. એવું અઘોર કૃત્ય સંજોગો જ કરાવે છે. પુરુષોને ક્યાંથી ખબર હોય, કે કેટલી બીકમાં ને બીકમાં, કેવા ફફડાટો વચ્ચે આવું કૃત્ય કરવું પડતું હશે ! કર્યા વગર, કરવાની ઈચ્છા વગર, અજાણપણે, બીજો કોઈ રસ્તો ન સૂઝવાથી, અરે, અજ્ઞાનથી પણ આ કામ થઈ જતું હશે. આ બધું અદાલતમાં કહ્યું હોય તો ન્યાયાધીશના મનમાં ઘણો મોટો ફેર પડી જાય, બહેન ! ને છોડી મૂકતાંયે વાર પણ ન લાગે.”

“ભલે ત્યારે,” અજવાળીને આ માર્ગે જીવવું વહાલું લાગતાં એ બોલી, “તો ભલે, હું સાચું કબૂલ કરીશ. હા, બાઈ, સાચી વાત છે. મારે છોકરું થ્યું’તું ને મેં જ એને મારી નાખ્યું : પણ બોન, મારો અંતરજામી જાણે છે, મારે ઈને નો’તું મારવું. અત્યારે ઈ જીવતું હોત તો હું એને ધવરાવતી હોત, હો. હું સાચું કહું છું. મારી છાતીમાં કાંઈનું કાંઈ થઈ જાય છે, હો બોન ! પણ હું કોને કહું ? મારે કોઈ કે’વા ઠેકાણું નો’તું ને !”

“સમજ કે એ કહેવા ઠેકાણું આજ હું છું. મારી પાસે બધું અંતર ઉઘાડી દે !”

“તમે મને છોડાવી શકશો ? તમારા બાપુને કહેશો ? ઈ રાજકોટમાં મોટા સા’બને ઇમ કે’ કે અંજુડીનું તો ઠીક, પણ ઈની રાંડની માં બઉ દુખિયારી છે…”

“એ હું બધું જ કરીશ; ને મારા બાપુ તો શું, શિવરાજ સાહેબ જ ખરા દયાળુ છે. તારા જેવી ગરીબ ફસાયેલી બાઈઓ ઉપર તો એ પ્રાણ ઓળઘોળ કરે તેવા છે. તું એક વાર આખી જ અથ-ઇતિ કહી નાખ, પછી જોજે ને !”

પછી અજવાળીએ, પાત્રોનાં નામો ફક્ત છુપાવીને, પોતાના પિતાની નિર્દયતાની કાળી મેઘલી રાતથી માંડી છેવટ સુધીની તમામ ઘટનાઓ અખંડિત પ્રવાહ વહેતી કરી. વચ્ચે “હા” “હાં” “પછી ?” એવા બોલ બોલતી સરસ્વતી પ્રત્યેક ઘટનાને પૂરી રીતે સમજવા માટે આતુર પ્રશ્નો પૂછતી હતી. જેલની કાળી દીવાલો પણ સાંભળી જશે એવી બીકે બેઉની રહસ્ય-કથા ભયભીત, ગુસપુસ સ્વરોમાં ચાલતી હતી.

“એના ઘરમાં બીજું કોઈ માનવી ન જાગી ઊઠ્યું ? કોઈએ તને દિવસેય ન ભાળી ?” સરસ્વતીએ એ પુરુષ રામભાઈ જ છે એવી સમજથી પ્રશ્ન કર્યો.

“એ એકલા જ રહેતા; એને કોઈ હતું જ નહીં.”

“તમારા લોકની જાતના હતા ? વેપારી હતા ?”

“ના. ના. વેપારી કે લોકવરણનું મન કાંઈ એવું મોટું હોય ? મને કાંઈ સંઘરે ?”

“ત્યારે કોણ કોઈ વકીલ હતા ? આ રામભાઈ…”

“ના રે બોન, ના. ઈ હોત તો તો આવું શેનું બનત ? ઈને ને અમારે તો પૂરી ઓળખાણ કહેવાય. ઈને ઘરે ગઈ હોત તો ઈની મા ને બેન્યું મને રાતની રાત સાચવી લેત ને !”