પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૫૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
शिवास्ते पंथा:
૧૫૫
 


“અજવાળીબાઈ,” શિવરાજે રામભાઈના ગજવામાં નોટોના થોકડા (પોતાને ને પિતાના પગારની તમામ બચત) ભરતે ભરતે હાથ જોડ્યા, “તમને હું કદી મળનાર નથી. હું તમારો હાથ રામભાઈને સોંપીને જાઉં છું. સુખદુઃખમાં એકબીજાનાં સાથી રહેજો. રામભાઈ તમારો બીજા પુરુષ જેવો વિશ્વાસઘાત નહીં કરે, અજવાળીબાઈ ! ને હું છેલ્લી એક વાર જૂઠું બોલ્યો છું : તમારી માતાને તમે તરત નહીં મળી શકો; તમને મેં છોડ્યા છે, પણ સરકારે નથી છોડ્યાં; તમારામાં શક્તિ હોય તેટલી વાપરીને નાસી છૂટો. આટલો વિશાળ મુલક પડ્યો છે તેમાં રામભાઈ તમને એક કરતાં એકસો છાનાં ઠેકાણાંમાં લઈ જશે. હું રજા લઉં છું.”

એણે મોટર પાછી હાંકી. એણે ઊલટી જ દિશાના સીમાડા સાંધ્યા. પરોઢિયાના ચારેક વાગ્યે એણે એક નદીની ભેખડે મોટર થોભાવીને એન્જિન બંધ કર્યું; પગ લંબાવીને શરીરનો ઢાળો કર્યો અને હાશકારો કરી શ્વાસને વિસામો આપ્યો. હવે શી ઉતાવળ છે ? શું લૂંટાઈ જવાનું છે ? કોણ મારી રાહ જોનારું રહ્યું છે ? કાલે તો અજવાળીની જગ્યા મારે માટે તૈયાર હશે. એ જગ્યા પર પહોંચતાં બે કલાક મોડો પડીશ તો કોઈ વધુ સજા કરવાનું નથી, વહેલો પહોંચીને કારાગૃહનાં દ્વાર ખખડાવીશ તો કોઈ છોડી મૂકવાનું નથી. માટે વિરામ લઈ લો. હે અંતર્યામી ! ઊંઘી લ્યો, હે આતમરામ ! આવું હળવુંફૂલ અંતર તો આ પચીસ વર્ષમાં પહેલી જ વાર પામ્યો. ખેતર વચ્ચેની આવી એકલતા કોઈ દહાડે નહોતી માણી. આ અંધારાં શું મા — જનની ! તારા ઓઢણાના પાલવડા હશે ! મને શું તું જ લપેટી લે છે ? મને ઊંઘ આવે છે. ગયો — ગયો — એ ઊંઘી ગયો. જાગૃતિના ઉત્પાતમાંથી સ્વપ્નહીન નીંદરના દરિયામાં નાના હોડકા જેવું કલેજું ક્યારે ઊતરી ગયું, ક્યારે લસરવા લાગ્યું, ખબર જ પડી નહીં. જાણે પોતે જ પોતાના જીવન સફર પર વળાવી પાછો વળી ગયો, રગેરગમાં ઘારણ ચડી ગયું.

ખુલ્લાં ખેતરો વચ્ચે, દિવાળીનાં પાકેલ જારબાજરાના ઝૂલતાં ડૂંડાંની જંગલભરતી સોડમના ઘેનમાં ઘેરાયેલા શિવરાજને બે કલાકની નીંદર બસ હતી. હાંફતી માલગાડીના શ્વાસ-ધબકારા એકાદ માઈલ આઘેની રેલવે લાઈન પરથી સંભળાતા હતા. કોઈ બીજી ગાડી તેની પહેલાં ગઈ નહોતી. રામભાઈ અને અજવાળીને દિલ્હી મેલ મળી ચૂક્યો હશે. હવે તેને કોણ આંબવાનું હતું ? પોલીસ ફોજદારે તાર કર્યો હશે ? તાર કોને પહોંચવાનો હતો ? રામભાઈ અને અજવાળીને કોણ ઓળખવાનું હતું ? બીજા વર્ગમાં બેઉ ઘસઘસાટ સૂતાં હશે. ગાડીનાં પૈડાં હાલાંવાલાં ગાતાં હશે. બીજા વર્ગના પેસેન્જરને ન જગાડવાનો હુકમ છે ને, એટલે પોલીસની દેન નથી કે પકડી પાડે.

લઈ જાઓ, ઉપાડી જાઓ, ઓ દિલ્હી મેલનાં સેંકડો પૈડાંઓ ! આ ઘાતકી કાયદાના લાંબા હાથ ન આંબી શકે એવા પૂરપાટ વેગે એને વહી જાઓ ! મદુરા અને રામેશ્વરનાં દેવાલયો ! આ બે યાત્રિકોને તમારી લોક-મેદનીમાં છુપાવી દેજો. ગંગાના કિનારાઓ ! એ નિર્દોષોને મહિનાઓના મહિના સુધી તમારી સૃષ્ટિમાં સંતાડી દેજો. હજારો-લાખો બદમાશોનાં પાપો પણ જ્યાં રક્ષણ પામે છે, ત્યાં બે નિષ્પાપોને શરણું મળજો !

ઘર તરફ મોટર હાંકતો શિવરાજ આસો મહિનાના અંધારિયાની પાછલી ચાંદનીમાં વિચારતો હતો : ‘હવે સરસ્વતી મને માફ કરશે ખરી ? મેં આ સાહસ સાચોસાચ શું એકલા આ ઘાતકી કાયદા સામે બંડ ઉઠાવવા કર્યું છે ? ખરે જ શું હું અજવાળીનું રક્ષણ જ ઇચ્છતો હતો ? કે કંઈક વધુ ? સરસ્વતીનો સંતોષ !’