પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૬૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪
અપરાધી
 


શિવરાજને ટેકો દીધો અને ઓફિસની અંદર લઈ જઈ બેસાર્યો. પોતે રાજકોટ તાર લખીને રવાના કર્યો. પોલીસ અધિકારીએ જીવનમાં પહેલી જ વાર એક અકળ તમાશો દીઠો. એનો તેડાવ્યો દાક્તર આવી પહોંચ્યો.

“દાક્તર,” શિવરાજે હસતે મોંએ કહ્યું, “મારા નખમાંય રોગ નથી. શા માટે તમાશો કરો છો ?”

એક જ કલાક પછી રાજકોટની એજન્સી-કોઠીમાં ખળભળાટ મચ્યો. પોલીસ ઉપર તાર લઈને એજન્ટના ગોરા સેક્રેટરી પાસે પહોંચ્યા. સિનિયર ડેપ્યુટી મિ. પંડિતને તેડાવીને વાકેફ કર્યા. બપોર થયા ત્યાં મિ. પંડિતની મોટરગાડી કેમ્પમાં હાજર થઈ. દરમિયાન જેલની સડક પર જમા થતા લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસની જરૂર પડી હતી.

“આપની અને —” નામ ન ઉચ્ચારી શકાયું, એ નામ શિવરાજને અતિ પવિત્ર લાગ્યું — “અને મારા સર્વે શુભચિંતકોની હું રહમ માગું છું, ક્ષમા યાચું છું.”

એણે મિ. પંડિત સામે હાથ જોડ્યા.

“તમે તે આ શી ઘેલછા આદરી છે ?”

“ના, મારી ઘેલછાનો અંત ખતમ થયો છે. અપરાધી હું છું.”

“અપરાધના ઢોલ પિટાવવાની જરૂર નથી, જુવાન માણસ ! આ શું કરી રહ્યા છો ? કાંઈ ભાન છે કે નહીં ?” મિ. પંડિતે રોષ દેખાડ્યો, “તમે તમારી છોકરવાદીના ભોગ તમારા ઉપરીઓને, તમારા પિતાના સ્નેહીઓને, ખુદ એજન્સીને બનાવી રહ્યા છો. તમારા ભવાડાથી આખી એજન્સી જગબત્રીસીએ ચડશે. તમને જુવાનને આ હોદ્દો આપનારાઓ પ્રત્યેની તમારી શું કોઈ ફરજ નથી રહી ? એક ન્યાયાધિકારી ઊઠીને ગુનો કબૂલ કરશે તો આખા તંત્રની બેવકૂફી ગવાશે. સાહેબલોકો દેશી જવાનો પર દાંતિયાં કરશે. બધાનું કેમ બગાડી રહ્યા છો ?”

“મેં ન્યાયનું સ્થાન ખાલી કરીને એક પ્રચંડ તરકટ ઉઘાડું પાડ્યું છે.”

“ને તમે જેનું નામ પણ અતિ પવિત્ર ગણો છો તેના જીવન પર આજે છીણી શા માટે મારો છો ? શિવરાજ ! બેવકૂફ ! હજુ પાછા વળો, સમજી જાઓ. મારી સરસ્વતી —”

“ઊગરી ગયાં છે. એમણે તો મને વખતસર ત્યજ્યો છે.”

“તમને કોણે કહ્યું, નાદાન ? છોકરી સ્વપ્નમાંય તમારું નામ લે છે.”

“એ મારા પર રોષ કરીને ગયાં છે.”

“એનો રોષ ક્ષણિક જ હતો, હું તમને ખાતરી આપું છું.”

“એમણે મને ડૂબતો ઉગાર્યો છે. એ મારાં તારણહાર બન્યાં છે.”

“શિવરાજ” મિ. પંડિતે કાકલૂદી કરી, “તમે એ અણસમજુના ક્ષણિક રોષથી ઉશ્કેરાઈને આ શું કરવા બેઠા છો ? ચાલો પાછા, હું તમારાં લગ્ન કરી આપું.”

“મને એ તલસાટ રહ્યો નથી. હું મારી સાચી દુનિયામાં દાખલ થઈ ગયો છું. આ પગલું મેં ક્ષણિક આવેશમાં નથી લીધું.”

એક કલાક સુધી ઓફિસના એકાંતમાં પંડિતસાહેબે વ્યર્થ ફાંફાં માર્યા. ફરી એણે કાકલૂદી કરી : “મારા ધોળા સામે તો જુઓ ! એમાં શા માટે ધૂળ નાખવા નીકળ્યા છો ?”

“હું નીકળી ચૂક્યો છું, એટલે દૂર નીકળી ગયો છું કે હવે કિનારાને આંબી શકાશે નહીં.”

“નથી જ માનવું ?”