પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
થાણદાર લહાવો લે છે
૧૭૧
 


કપાળ પરથી ચશ્માંને પાછાં આંખો પર ઉતારી એ શિવરાજ સામે તાકે છે, ત્યારે એના હોઠ લાંબા થાય છે.

“પ-રં-તુ.” બુઢ્ઢા પબ્લિક પ્રોસિક્યૂટરે ‘૫’ ‘રં’ અને ‘તું’ એ ત્રણે અક્ષરો પર ભાર દેતે દેતે પોતાની આંખોમાં ભેગી થયેલી ભીનાશ લૂછી. “પરંતુ નામદાર ‘ક્રાઉન’ હંમેશાં ઈન્સાફને ચાહે છે, વેરની વસૂલાત સરકાર નથી ચાહતી, કોર્ટનું કામ કિન્નો લેવાનું નથી. નામદાર કોર્ટને યાદ હશે કે આરોપીએ પોતાની જાતે જ એકરાર કરેલ છે; ને ખસૂસ કરીને તો યાદ રાખવું જોઈએ કે જો આ સ્વૈચ્છિક એકરાર આરોપીએ ન કર્યો હોત તો ગુનાની લવલેશ ખબર સરકારને પડવાની નહોતી. અને પોતે કલંકિત કરેલા ઇન્સાફનું નિવારણ કરવાની પોતાની એકની એક સત્તાનો ઉપયોગ કરનાર આ પુરુષના પ્રતાપી દર્શનથી નામદાર કોર્ટનું હૃદય દ્રવી ઊઠશે, આ મહાન સ્વાર્પણની એ કદર કરશે, એની મને શંકા નથી.”

સાંભળીને પ્રેક્ષકોમાં ઉધરસ, છીંકો, ખોંખારા, કચવાટ અને વિરોધના ચેષ્ટાસ્વરો ઊડ્યા. એક વકીલે બીજાને, પ્રોસિક્યૂટરની પીઠ પછવાડે જ, કહ્યું કે, “શું બાફે છે આ બેવકૂફ !”

એ પીઠ પાછળના અવાજની પરવા કર્યા વગર પ્રોસિક્યૂટરે આગળ ચલાવ્યું. એના હાથ હલતા નહોતા.

“નામદાર કોર્ટનું બીજું પણ ધ્યાન ગયું હશે કે આરોપીએ પોતાના ગુનાના કારણની પણ કબૂલાત કરી નાખી છે. અગર જો આરોપી બદમાશ હોત તો એટલું તો પોતે છુપાવી શકત. પ-રં-તુ આરોપીએ પોતાની આબરૂ કરતાં, બલકે જિંદગી કરતાં પણ, પોતાના આત્માને વધુ કીમતી ગણ્યો છે.”

“ઓ હો !” મેજિસ્ટ્રેટે પાછાં ચશ્માં કપાળેથી આંખો પર ઉતારી શિવરાજ સામે હોઠ લંબાવ્યા.

“વળી નામદાર કોર્ટ જોઈ શકશે કે પોતાને બદલે એક નિર્દોષ કુટાઈ જતું હતું તે ન સહેવાયાથી જ આરોપીએ ઇન્સાફના હાથમાં પોતાની જાત સોંપી દીધી…

“ને છેવટે નામદાર કોર્ટ ગુનેગારની જુવાન અવસ્થાનો, તેજવાન બુદ્ધિબળનો, આશા આપતી કારકિર્દીનો અને એના પૂજ્ય પિતાની પવિત્ર યાદનો વિચાર કરીને ઈ. પી. કો. કલમ ૨૨૩ હેઠળ નામની જ સજા કરશે તો સરકારને સંતોષ મળશે. ‘ક્રાઉન’ તરફથી હું આટલી જ અરજ કરું છું.”

“વાહ ભૈ !” મેજિસ્ટ્રેટે ધીરે સ્વરે કટાક્ષ કર્યો, પણ પ્રેક્ષકોમાં એ સંભળાયો ને ઝિલાયો. “વાહ ભૈ ! વાહ ભૈ !” એવા પડછંદા છેક સામા બારણા સુધી ગુંજી ઊઠ્યા.

“પ-રં-તુ –” ફરી પાછા પબ્લિક પ્રોસિક્યૂટર બોલ્યા, “નામદાર કોર્ટ ચાહે તેવી સજા કરેને, આરોપીએ પોતે જ પોતાના માથે જે સજા વહોરી લીધી છે તેની પાસે નામદાર કોર્ટની કોઈ સજા વિસાતમાં નહીં હોય. એજન્સીની આજ સુધીની તવારીખમાં આવી અધોગતિનો કોઈ કિસ્સો નથી. તેમ અંધારી રાતે કાળી શલ્યાનું રૂપ પામીને હજારો વર્ષો સુધી રામાવતારની વાટ જોનાર દેવી અહલ્યાની પછી આવા ઘોર પ્રાયશ્ચિત્તનો પણ કોઈ દાખલો નથી.”

‘સમરી’ ખતમ કરીને પબ્લિક પ્રોસિક્યૂટર હેઠા બેઠા. હસતા પ્રેક્ષકવૃંદ પર એ પ્રૌઢ માણસની કંપાયમાન વાગ્ધારાનો ને છેવટે અહલ્યાના પ્રાયશ્ચિત્તના દૃષ્ટાંતનો ગંભીર પ્રભાવ