પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૮

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
અપરાધી
 


પોતે કરેલું આચરણ કેટલું કલંકિત હતું તેની શિવરાજને પ્રતીતિ થઈ, અજવાળીના પરિત્રાણનો તેમ જ પોતાના પાપના એકરારનો જે મુક્તિ-આનંદ, તેણે મેળવ્યો હતો, તે ધીરે ધીરે ઊતરી ગયો. તેને સ્થાને ત્રણ વરસની જેલવાસની દુર્દશા, અને જો ત્રણ વર્ષે જીવતાં છુટકારો થાય તો તે પછીની બદનામ દશા, કોઈ મોટી ઢેઢગરોળીની માફક ધીરાં પગલા મૂકતી મૂકતી જાણે પોતાને ગળી જવા ચાલી આવતી હતી. પોતે એક જંતુ બની ગયો.

રાજકોટ સ્ટેશન આવ્યું ત્યારે એ જરીક ઝોલે ગયો હતો. “ચલ એઈ !” કરીને એને પોલીસે ઢંઢોળ્યો. સ્ટેશન પર એણે ટોળેટોળાં દીઠાં. શું આ બધાં મારી બેશરમી જોવા, ભેગાં થયાં છે ? આ સર્વની વચ્ચે થઈને હું શી રીતે માર્ગ કરી શકીશ ? ફાટી આંખે જોતો છતાં એક પણ ચહેરાને ન ભાળી શકતો દૃષ્ટિશૂન્ય બનીને એ ચાલ્યો. એના કાન પર શબ્દો પડતા હતા : “આ એ જ ? એ પોતે જ ?”

રાજકોટ સેન્ટ્રલ જેલ ઓફિસની બારી પર શિવરાજને ક્લાર્કે પ્રશ્ન કર્યો : “કાંઈ કેશ જ્વેલરી (રોકડ અથવા દાગીનો) છે ? હોય તો સુપરત કરો.”

શિવરાજે માથું હલાવ્યું. એ કશું જ સાથે નહોતો લાવ્યો.

અંદર જઈને એને કપડાં બદલવાનું કહેવામાં આવ્યું. એણે પહેરણ ઉતારવા માંડ્યું. તે પળે જ એણે એક સ્ત્રીને ઓરતોની બરાકમાં જતી જોઈ. સ્ત્રીના શરીર પર જેલનો જ લેબાસ હતો. શિવરાજ એને પૂરી નિહાળે-ન-નિહાળે ત્યાં એ ઓઢણીનો છેડો સંકોડતી સંકોડતી અંદર પેસી ગઈ. અધૂરા કાઢેલા પહેરણે શિવરાજ સ્તબ્ધ બની ગયો.

“યે ક્યા હૈ ?” એની ભુજા પર બાંધેલા માદળિયાને ખેંચતાં ખેંચતાં એક વોર્ડરે કહ્યું.

“યે ક્યોં ઓફિસ પર દે નહીં દિયા ?”

“યે ન તો કેશ હૈ, ન જ્વેલરી હૈ.” શિવરાજે જવાબ દીધો.

“વો ક્યા હૈ ઔર ક્યા નહીં, વો મુકરર કરનેકા કામ કૈદી કા નહીં હૈ. છોડ દો.”

પોતાની માતાએ મરતાં મરતાં પહેરાવેલું, પછી એક દિવસ પોતાની વફાઈના બંધનરૂપે માલુજીએ અજવાળીને હાથે બાંધેલું, ને પછી અજવાળીને નસાડી મૂકતે મૂકતે શિવરાજે એની પાસેથી માગી લીધેલું એ તાવીજ આજે શું હ તું? જેલના નિયમોમાં એ ‘રોકડ’ હતું કે ‘દાગીનો’ ? જગતની ગણતરીમાં પણ આજે એ શું હતું ? શિવરાજે વોર્ડરની વાત સાચી માની. એ શું હતું, કયા વર્ગમાં પડનાર વસ્તુ હતી, તે મુકરર કરનાર પોતે કોણ ? એણે કાઢી આપ્યું ને સોંપતાં પૂર્વે આંખે અડકાડી લીધું. મનમાં મનમાં એ બોલ્યો મા ! તારુ ચિહ્‌ન હારું છું, તારી રક્ષાને ન હારું એવું કરજે.”

એ ક્ષણે જેલ સુપરિન્ટેન્ડેન્ટ દવાખાનું જોઈને પાછા વળતા હતા. તેમણે કેદીના મોંને પિછાન્યું. એ દૂર ચાલ્યા ગયા. એણે ચુપચાપ જેલરને હુકમ દીધો : “આટલી પણ માણસાઈ નથી યાદ રહેતી ! જાઓ, એમને અહીં કપડાં ન બદલાવરાવો, અંદર લઈ જાઓ. જુદી બરાકમાં રાખો. અદબથી વર્તવા વોર્ડરોને કહી આવો. એને પહેલા વર્ગની ટ્રીટમેન્ટ આપવા હું ઉપરથી પરવાનગી મંગાવું છું.”

વળતા દિવસે શિવરાજને દવાખાના પર તેડવામાં આવ્યો ત્યારે પણ એણે પેલી તરુણીને ઓરતોની બરાક તરફ ચાલી જતી દેખી. એનો વહેમ વધુ ને વધુ સજ્જડ બન્યો.

આઠેક દિવસે એણે પોતાના વોર્ડરને પૂછ્યું : “કોઈ નવી ઓરત-વોર્ડર રાખી છે ?”

“હાં, સા’બ !” હવે એને અદબથી બોલાવતા વોર્ડરે કહ્યું, “બડા ડિપટી સા’બકી લડકી… રહમદિલસેં ઓરતોંકી ખિદમત કરનેકો આતી હૈ, બચ્ચોંકો ખેલાતી હૈ, ઓરતોંકો