પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૮૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકટ થઈ હતી. શરૂઆતના છ મહિના સુધી તો મારી પાસે અસલ પુસ્તક નહોતું ને મેં અગાઉ વાંચેલ તે પરથી જ વાર્તાનું બને તેટલું સ્વતંત્ર ઘડતર હું કર્યે જતો હતો. મૂળમાં જોતો ગયો તે તો પછી.

બોટાદ : ૧-૯-૧૯૩૮

[બીજી આવૃત્તિ વેળા]

ક રાજકોટવાસી ભાઈએ, આ વાર્તા પુસ્તકાકારે પ્રગટ થઈ ત્યારે ખેદ દર્શાવી કહેલું : “અમે તો ચાલુ વાર્તા વાંચતા હતા ત્યારે આખી ઘટના કાઠિયાવાડની મૌલિક હોય તેમ જ માનતા હતા, એટલું જ નહીં પણ પ્રત્યેક પાત્રનો પણ અમુક ચોક્કસ કાઠિયાવાડી સાથે મેળ બેસારી શકતા હતા. હૉલ કેઈનના ‘માસ્ટર ઑફ મેન’ પરથી ઉતારી છે તે તો તમે જણાવ્યું ત્યારે જ જાણ્યું.”

ઉપલું પ્રમાણપત્ર મૌલિકતાનો દાવો આગળ કરવાના આશયથી નથી ટાંક્યું. અન્ય લેખકની અનુકૃતિ ઉતારવામાં સફળતા મેળવવી, એ મૌલિક સર્જન કરવા કરતાં જરાકે ઊતરતી સાધના મારા મનથી નથી. મારી અનુકૃતિમાં શુદ્ધ સોરઠી જીવનની સ્વાભાવિક જીવનછબી ઊપસતી હોય તો તે સંપૂર્ણ સંતોષનું કારણ છે. હૉલ કેઇનનું ઋણ અદા કર્યાનો એ પરમ સંતોષ છે.

પણ પેલા રાજકોટવાસી ભાઈના કહેવા પાછળ તો ધ્વનિ કંઈક આવો હતો કે મૂળ લેખકનો આવો ઋણસ્વીકાર કરવા બેસવું શું નૈતિક દૃષ્ટિએ જરૂરનું હતું ? કયા સર્જકના મન પર આ કે તે સાહિત્યસ્વામીની કૃતિઓની છાયા નથી રમતી હોતી ? એવી છાયાઓનો ઋણસ્વીકાર કરવા બેસવું એમાં સાહિત્યકીય પ્રામાણિકતાનો કંઈક અતિરેક – તેમ જ એવા અતિરેકનું પ્રચ્છન્ન મિથ્યાભિમાન – નથી ? અથવા આજે સાહિત્યકારો કરતાં ચોરી પકડવાવાળા જાસૂસો વધી પડ્યા છે, તેનો મનમાં પડેલો ડર તો નથી ?

કદાચ એ પણ હોય ! એ ચર્ચામાં નહીં ઊતરીએ. આપણું ગુજરાતી વિવેચન ડગુમગુ પગ માંડી રહેલ છે, તેવી સ્થિતિમાં એ વિવેચનને દૂર દૂરની પણ ચોરીની વાતથી ન સતાવવાની સંભાળ લેવી જોઈએ એમ હું માનું છું; અને પ્રામાણિકતાના ડોળ અથવા પકડાઈ જવાના ડર કરતાં વધુ મોખરે જો હું મારી બાબતમાં આ કારણને વધુ ભાર સાથે મૂકું, તો એને પણ ડોળ ન ગણી લેશો એટલી અરજ છે.

આપણા વિવેચનને જેમ એક બાજુ આવી સિફતભરી ચોરીથી સતામણી થવાનો ડર છે, તેમ બીજી બાજુ આ એક સાચી ભીતિ છે કે અમુક કૃતિ અમુક બીજી કૃતિ ‘પરથી’ ઊતરી છે એવું વિધાન વિવેચનને વિનાકારણ જકડી બેસે છે. મૂળ સાથે અનુકૃતિને શબ્દશઃ નહીં તો પ્રકરણવાર પણ મીંડવવા બેસનારા વિવેચકો એક તો છે નહીં તેમ એટલી વેઠ એમના પર લાદી શકાય નહીં. પરિણામે ‘અનુકૃતિ છે’, ‘રૂપાન્તર છે’, એટલાથી વિવેચકની ગેરદોરવણી થાય છે એ ન ઉવેખી શકાય તેવું એક ભયસ્થાન છે.

એવા ભયસ્થાનનો ભોગ ‘અપરાધી’ને પણ થવું પડ્યું છે, એટલા કારણે જ થોડી સ્પષ્ટતા આ વખતે જરૂરી છે, કે પાત્રહિસાબે જોઈએ તો માલુજી ને ચાઉસ જેવાં પાત્રો હૉલ કેઇનમાં નથી. પ્રસંગના હિસાબે મેળવીએ તો દેવનારાયણસિંહનું નર્મદા સાથેનું લગ્ન, અને એ લગ્નનો આનુષંગી કોઈપણ બનાવ મૂળમાં છે નહીં. અજવાળીને જેમાં મૂકેલ

તેવો કોઈ મહિલાશ્રમ મૂળમાં છે નહીં. શિવરાજ જે બે-ત્રણ અચ્છા મુકદ્દમા ચલાવે છે.

૧૭૮