પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘર કે ઘોરખાનું !
૩૧
 

ના, રે ના, સરસ્વતીઓને એનો પોતાનો જુદો જ વર્ગ છે – વર્ગીય અમીરાત છે. અજવાળીઓનો સમૂહ અલગ છે. સ્ત્રીજાતિ નામના એક વર્ગ નીચે એ બે સમુહો આવી શકે નહીં. બંનેનાં શરીરો જ કેવળ સ્ત્રીત્વની છાપ ધારણ કરી રહ્યાં છે. એ છાપની એકતા ઉ૫૨ બંને સમૂહોને એકબીજા સાથે કોઈ જાતની નિસબત નથી.

૯. ઘર કે ઘોરખાનું !

વે ચાલો, સૂઈ જવાનું છે.” બુઢ્‌ઢા માલુજીએ ટેબલ પર માથું ઢાળીને ઝોલાં ખાતા શિવરાજને રાતના દશ વાગ્યે હુકમ કર્યો.

માલુજીને શિવરાજની વધતી જતી ઉંમરનું ભાન ન આવ્યું તે ન જ આવ્યું : માતાએ સોંપેલો શિવરાજ કદી માલુજીના મનથી મોટો થયો જ નહોતો.

સુવાડીને ઓઢાડતાં માલુજીએ પૂછ્યું : “સરસ્વતીબાઈ તો ગયાં તે ગયાં જ | પાછાં ડોકાણા પણ નહીં ?”

“આપણે શું કામ છે ?” શિવરાજે ટૂંકોટચ જવાબ વાળ્યો.

“તમને કાંઈ વિચાર થાય છે કે નહીં ?”

“શાનો ?”

“આ તે ઘર છે કે ઘોરખાનું?”

“એટલે ?”

“મારાથી હવે તમારી આડોડાઈ નથી વેઠી શકાતી. તમારી સંભાળ લેનારું કોઈક આવશે નહીં, તો તો તમે ખાવામાં બે રોટલીએ ઊતરી ગયા છો તે હવે વા ભરખીને જ જીવવા મંડવાના.”

શિવરાજ ન બોલ્યો, એટલે માલુજીએ કબાટનાં બારણાં નિષ્પ્રયોજન ઉઘાડબીડ ઉઘાડબીડ કરતે કરતે બોલવા માંડ્યું :

“ડોસો બચાડો આખો જન્મારો ખેંચ્યે જ જશે; ને આ ભર્યા ઘરનું ભૂતખાનું કે’દીય આળસશે જ નહીં ! ખેડુની બાયડિયું કમ્પાઉન્ડની બા’ર ઊભી ઊભી મોં આડે લૂગડાં રાખીને જોયા જ કરે છે — કે આ તે કેવા માણસ ! વરસું વીત્યાં તોય આ ઘરમાં બે માણસનાં ત્રણ બન્યાં જ નહીં ! ઉપર જાતાં મને સૌ ટોણા મારે છે કે, તારે, માલજી — તારે એકહથ્થુ રાજ કરવાં છે એટલે જ તે સાહેબને ફરી પરણવા ન દીધા, ને ભાઈનુંય ઘર પણ તું જ બંધાવા દેતો નથી. દરવાજે બેઠો બેઠો ઓલ્યો બૂઢિયો ચાઉસ પણ મને જ ઊધડો લેતો ફરે કે, બસ, માલુજી, તું કાંઈ અમરપટો લઈને નથી આવ્યો ! સાહેબની, મારી ને તારી – ત્રણેની બાજરી હવે ખલાસ થવા આવી, તોય હજી ઘરનું ઠેકાણું પડ્યું નહીં.”

શિવરાજ કામળા નીચે પડ્યો પડ્યો રમૂજ પામતો હતો. માલુજીએ શિવરાજની ચોપડીઓ સરખી પડી હતી તોપણ ઠબકારી ઠબકારી નવેસર ગોઠવતે ગોઠવતે કહેવાનું બહાનું શરૂ રાખ્યું : “હું તમને કહી રાખું છું. સાહેબનું જે દી આંખમાથું દુખશે ને, તે દી પછી હું પણ સાજો નથી રહેવાનો. મારે એમને વળાવીને વાંસે રે’વું નથી; હું એમની આગળ જ એમની પથારી કરવા હાલ્યો જઈશ. પછી તમે જાણો ને તમારું આ ઘોરખાનું જાણે !”