પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૦. ‘એને ખેંચી લે !’

સાંજની સભામાં હાજરી આપીને પાંચ પુરુષો અમદાવાદ શહેરના ધોરી માર્ગ પર ચાલ્યા આવતા હતા. કોઈ મૂએલા ઢોરને ચમારો ઊતરડતા હોય તેવી રીતે તે પાંચે જણા તાજા સાંભળેલા ભાષણની ખબર લેતા હતા :

“ફક્ત ભાષાની ગોફણો ફેંકતી’તી."

“પ્રત્યાઘાતી વિચારોનો મહાધોધ જાણે.”

“મગજમાં જુનવાણી યુગનાં જ જાળાં બાઝ્યાં છે. વેદ, શ્રુતિ અને મહર્ષિ દયાનંદનાં ચકરડાંમાં રમે છે — ચક્કર પર કૂદતા ઉંદરડાની માફક.”

પાંચમાં એક માણસ, જરા મોટી ઉંમરનો, તદ્દન ચૂપ હતો. બીજો — તાજા દૂધની, ગરમી-શી જેની ચડતી જુવાની હતી તે જુવાન — ફક્ત એટલું જ બોલ્યો : “તાકાત તો છે ને ?”

હનુમાનની દેરી આવી. રસ્તો ખાડિયાના ઊંડાણે પડેલા લત્તામાં ઊતરતો હતો. ત્રણ જુવાનો જુદા પડ્યા. જુદા પડવાની સલામ તરીકે એક જણે હાથ ઊંચો કરી કહ્યું : “લોંગ લિવ (ઘણું જીવો)—”

“રેવોલ્યુશન (ક્રાંતિ) !” બીજા ત્રણેએ જવાબ વાળ્યો. મોટી ઉંમરનો પુરુષ ચૂપ રહ્યો.

ભર્યા ભાદરવા માસના ચડતા જુવાળવાળા પહાડી વોંકળાઓની પેઠે છલંગો મારતા એ ત્રણ જુવાનોનાં જુલફાં સુધરાઈની બત્તીને અજવાળે દૂર દૂર સૂધી પણ ઊડતાં દેખાયાં.

બાકીના બે એકલા પડ્યા. મોટાએ જુવાનના હાથનો પંજો ઝાલીને કહ્યું : “ચાલો, થોડી વાર બેસીએ.”

સામે જ હોટેલ હતી. રસ્તો વળોટવા જતાં જમણી ગમથી ધસી આવતી એક મોટરે કરડો ઘુરકાટ કર્યો.

જુવાન હેબતાયો, મોટાએ એનો પંજો ખેંચીને સામી ફૂટપાયરી પર જવા માંડ્યું.

મોટર ધસી આવી. મોટે જુવાનને મોટર તરફ જ ઝાલીને રાખ્યો હતો તે જકડી જ રાખ્યો. મોટરનો આગલો ખૂણો જુવાનને સહેજ અડકી ગયો. બ્રેક મારનાર મોટર-સવાર એક મિનિટ સુધી શ્વાસ ન લઈ શક્યો. પછી ટટાર થઈને એણે સામી પગથી પર પહોંચેલા એ બેઉ જણા પર કરડી આંખ મારી.

હોટેલનાં પગથિયાં ચડી રહેલ બેઉમાંથી મોટેરાએ તો પાછળ જોવાની પણ તસ્દી ન લીધી.

મોટર-સવાર પોલીસ-અમલદાર હતો.

એણે મોટર ફરી ચાલુ કરી. “ઓળખું છું તને, બચ્ચાજી !” એટલું જ કહીને એ ઊપડી ગયો.

હોટેલનો સૌથી છેવાડો ખૂણો ગોતે છે — કાં કોઈ આધેડ ઉંમર વટાવી ગયેલું ને જીવનમાં પહેલી જ વાર પધારતું જુનવાણી યુગલ, કાં ગુજરાતમાં ગરાસિયા તરીકે ખપતા કાઠિયાવાડના હરિજનો ને — કાં વિપ્લવનાં સ્વપ્નો ઘડનારા નવીનો.

“મને તમે મારી જ નાખત ને !” જુવાને મનની ચંચળતા બતાવી.

“તોયે શું !” મોટેરાએ અરધું હાસ્ય કર્યું. એના સ્વરમાં શિયાળુ વેરાનની ઠંડાઈ હતી.

૩૩