પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૪૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
અપરાધી
 

“આવી કડકડતી ટાઢમાં તમે સ્નાન કરવા…?” જુવાને વડીલના દૂબળા શરીરની હડ્ડી દેખી. આ મલોખાનું માળખું નદીના પાણીમાં પડતાં જ થીજી જશે તેમ લાગ્યું.

“ટાઢ તો બહાર છે, અંદર આગ છે. ને આત્મા અમર છે. શરીર તો એનું આજ્ઞાધીન સૈનિક છે. મૂઠીએક હાડકાંને ભેગાં રાખતાં તો ફૂટપાથ પરનાં ભિખારીઓને પણ આવડે છે. એનું ગુમાન નથી કરવા જેવું.”

એટલું કહીને વડીલ પુલની નીચે ઊતરી ગયો. જુવાનના અંતરમાં ક્રાંતિનો રણકાર ઊઠ્યો હતો. સામટા સો ઘંટારવે ઘોરતા કો મંદિરનો ઘૂમટ જાણે તેની હૃદય-ગુફામાં કોતરાઈ ગયો. એ સરસ્વતીના છાત્રાલયમાં પેઠો. એ સરસ્વતીને ઓળખતો હતો. બેઉ મળ્યાં હતાં. એકબીજાને અનુરાગ પણ હતો. પરંતુ એમાં પ્રેમની મુગ્ધતા નહોતી.

૧૧. મૂંગી શૂન્યતા

રાષ્ટ્રની જુવાની જે કાળે આવા અગ્નિરસનું પાન કરી રહી હતી, ત્યારે શિવરાજ સોરઠના એ સરકારી કેમ્પમાં બે ઓરડા ભાડે રાખીને વકીલાતની તાલીમ મેળવવા બેઠો હતો. માતૃભૂમિનાં ગાનો ગજાવતી નગરફેરીઓ નીકળતી હતી, તેની વચ્ચે શિવરાજ પોતાની વર્ષો પૂર્વે મિટ્ટીમાં મળી ગયેલી માતાની જૂની છબી પાસે સવાર-સાંજ ધૂપ ચેતવતો હતો. રાષ્ટ્રદેવની પ્રતિષ્ઠામાં તલ્લીન બનેલા માનવ-સમૂહની વચ્ચે આ જુવાન પોતાના પિતાની દેવમૂર્તિને દિલમાં પધરાવી રહ્યો હતો, પોતે પોતાનામાં જ મસ્ત હતો. કેમ્પના છોકરાઓ પણ એની ઠેકડી કરતા હતા. મકાનના ધણી એક શેઠ હતા તે પણ જ્યારેત્યારે ત્યાં આવીને તાજુબી બતાવતા કે, “ભાઈ, તમે ઊઠીને આજ કેમ આ જાગ્રતિની ગંગામાં ના’તા નથી ? તમારે શી ખોટ છે ?”

શિવરાજ પાસે એ વાતનો કોઈ જવાબ નહોતો.

“આંહીં ખીલીઓ ખોડતા નહીં હો ભાઈ !” શેઠ આખરે મુદ્દાની વાત પર આવી જતા : “ને સ્ટવ સળગાવો છો પણ જોજો — મારી દીવાલો કાળી કરતા નહીં.”

જતાં જતાં શેઠ પાછા ફરીને કહેતા : “આ તો બધું ભાઈ, દીકરો દેશસેવા કરી શકે તેટલા ખાતર થઈને હું સાચવું છું. એને તો ધૂન જ લાગી ગઈ છે હરિજન-સેવાની ને લોકસેવાની. એ કાંઈ આ મકાનમાં ચૂનાની એક પોપડી ઊખડશે તેનેય થોડો ચંદાવવાનો છે ? એ માટે આ રખેવાળી કરવી પડે છે. એ હવે સભાઓ ને સમિતિઓમાંથી થોડો બહાર નીકળવાનો છે ? એનો ભરોસો નથી તેથી તો આ તમામ ઈસ્કામત એના દીકરાના નામ પર ચડાવી દીધી છે મેં તો. હા, ભાઈ, રોટલા રહ્યા હશે તો જ દેશસેવા થઈ શકશે, ભાઈ ! ઘર બાળીને તીરથ કરનારાનો તો પત્તોય નથી રહ્યો.”

“સાચું છે.” શિવરાજ વાર્તાલાપને પૂર્ણવિરામ મૂકવા પ્રયત્ન કરતો.

“ને તમે, ભાઈ,” શેઠ ફરી વાર મુદ્દાની વાત પર આવતા, “ધબધબ કરતા દાદર ન ચડતા-ઉતરતા.”

“દાદરમાંથી નીચેવાળાંઓનો ધુમાડો બહુ આવે છે એનો કાંઈક બંદોબસ્ત કરતા જજો ને !” શિવરાજને યાદ આવતું.

“એ તો ઋતુ બદલાશેને, એટલે વાયરો પણ એની દિશા બદલશે. પછી ધુમાડા