પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
અપરાધી
 

પૂરી દાઝ હતી એની સામે એક-બે વાર છાપામાં ઘસાતા ખબરો છપાયા હતા. એનું વેર લેવાની એ ઘડીઓ જતી હતી.

“ફોજદારસાહેબ, તમે હમણાં બહાર જાઓ, હું તમને નક્કી કરીને ખબર આપું છું.”

એમ કહીને ફોજદારસાહેબને વિદાય કર્યો. પછી પોતે થોડી વાર એકલો પડ્યો. એના મનનાં પલ્લાં ડોલતાં હતાં. ઘડી આ પલ્લામાં કણી નાખતા ને ઘડી પેલા પલ્લામાંથી કણી કાઢતા, પણ કોઈ રીતે સમતુલા ન સાધી શકતા કોઈ વણિકના જેવી એની હૃદયત્રાજૂડી હાલકલોલ હતી.

કોના – રામભાઈના ઉપર વહેમ ઢોળી નાખું ?

મારા ભાઈબંધના ઉપર ?

એમાં હું શું કરું ? લોકોને વહેમ છે, અજવાળીનાં ખુદ માબાપનું કહેવું છે – તો છોને કાયદો કાયદાનો રાહ લેતો !

રામભાઈને તો હું પાછળથી ક્યાં બચાવી નથી લઈ શકતો ? એને હું પોતે જ નિર્દોષ ઠરાવીશ. પછી શું છે ?

ને થોડી વાર આ દેવકૃષ્ણ પણ ભલેને મારા હાથનો સપાટો દેખતો ! એને હું ખો ભુલાવી દઉં. એનાં પાપકૃત્યોમાંથી હું એને પાછો વાળું. એને પસ્તાવો કરાવીને પછી એના પુત્રને બચાવ્યાનો આભાર-ભાવ પણ એના મન પર અંકિત કરી દઉં.

ઘણો લાભ થશે. ઘણા લોકોના સંતાપ ટળશે. એ શું એક સુકૃત્ય નથી ?

ને રામભાઈને મેં ક્યાં ગુરુકુળમાં નહોતો બચાવી લીધો ? આજે રામભાઈનું નિમિત્ત દઈને હું બચી જઈશ. એકબીજાનો બદલો વળી રહેશે. ઊલટાનું રામભાઈને રક્ષણ આપવા જતાં મારી જે કારકિર્દી બગડી ગઈ છે, ને મારા પર જે સોટીઓ પડી મારો તેજોવધ થયો છે — તેવું તો આમાં કશું થવાનું જ નથી.

આજનો દિવસ, ફક્ત આજના સૂર્યનો પ્રકાશ પોતાને ઘેર ચાલ્યો જાય ત્યાં સુધી, જો હું બચી જાઉં, તો પછી બસ, રામભાઈને પગે પડીને એક દિવસ એની માફી માગી લઈશ. ને રામભાઈ પણ ક્યાં જાણવા આવવાનો છે ? કોઈ નહીં જાણે.

એ ક્ષણે જ એની સામે અજવાળીની મુખમુદ્રા દેખાઈ. એ મોં કરગરતું હતું : “મને જાવા દો. હું કૂવે પડીશ. તમને ફજેત નહીં કરું.”

અજવાળી એક ખેડુની છોકરી : એ મને ફજેતીમાંથી ઉગારવા મૃત્યુ ભલું માને છે : હું મારી બદનામી બીજા પર ઢોળીને બચી જવા વિચારું છું !

અજવાળી શિવરાજની ગુરુ બની.

૧૪. “સાચવીને રે’જો” !


શિવરાજે બધી વાત કહી દેવા પ્રથમ તો અજવાળીની માને એકાંતે બોલાવી. માનો પહેલો જ બોલ આ પડ્યો :

"બાપા, મારા બેટા, મારે કોઈની સામે ફરિયાદ નથી કરવી. મને એટલી જ ખબર જો પડે, કે મારી અંજુ જીવતી છે ને ઠેકાણે પડેલી છે, તો હું તમારે ઘેર સાત અવતાર લઉં, મારા દીકરા !”