પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૬૬

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
અપરાધી
 


આ મેળાપની ઉરવ્યથા મીટાવી.

“હા,” શિવરાજે ખાસ કશી જ ઈંતેજારી ન બતાવી ને બાજુમાં ખેતરની વાડ્યે ‘કીલકિલા… કીલકિલા… કિલકિલા’ કરતું એક તેતરપક્ષી ઊડીને દૂર નાસી ગયું.

“મેં પેલી ખેડૂતબાઈને કક્કો શીખવવા માંડેલ છે. એ તમારું નામ લઇને આવી હતી.”

“સારું કર્યું.”

“બહુ જલદી શીખી શકે છે. શીખવાનું કારણ પણ અતિ પ્રબળ છે, ખરું ને ?”

“બાપુજી એકલા ઊભા છે. ચાલો ત્યાં જઈએ.” શિવરાજે આડી વાત નાખી.

“ચાલો.”

બેઉ ચાલ્યાં, ને સરસ્વતીએ વાતનો તૂટેલો ત્રાગડો સાંધ્યો : “એની છોકરીના કાગળ આવે છે. છોકરી તો કોઈ જુવાનની જોડે નાસી ગઈ છે ને ? બાઈએ મને બધી વાત કરીને છોકરીનો કાગળ પણ બતાવ્યો છે. તમે એ બાઈને દિલાસો આપ્યો છે.”

શિવરાજને લાગ્યું કે હમણાં જ સરસ્વતી મારા કલેજા પર હાથ મૂકીને મારું ગુપ્ત પાપ પકડી પાડશે.

“આ લોકો.” સરસ્વતીએ પાછું ચલાવ્યું : “કેટલાં સારસ ને સાદાં છે ! દીકરી નાસી ગઈ તેની કશી જ બદનામી ગણ્યા વિના જ આ મા દીકરીનો પ્રેમ-વ્યવહાર ચલાવી રહી છે. આપણી કોમમાં બન્યું હોય તો હેત ને લાગણી ક્યાંનાં ક્યાં ઊંઘી જાય, એકબીજાને મારી નાખવા જેટલાં ઝનૂની વેર બંધાય !”

“ખરું છે.”

“તમે કેમ આવા ઠંડા જવાબ આપો છો ?” સરસ્વતીએ નીચેથી નજર ઉઠાવીને શિવરાજના મોં પર જોયું. શિવરાજની નજર તો નીચે જ રહી.

“કેમ સામે પણ જોતા નથી ?”

“તમે શું એમ માનો છો કે ઈન્સાફના કામમાં પણ મારે તમારી ઈચ્છા જોવી રહે છે ?” શિવરાજે એકાએક સરસ્વતીને ઊધડી જ લીધી.

“બાપુજીની ચિઠ્ઠીમાં મેં મારા તરફથી ઉમેરાવ્યું હતું તેની જ વાત કરો છો ને ?”

“હા જી.”

“મારી ઈચ્છા તો તમારું ક્ષેમકુશળ રહે એ પૂરતી જ હતી. બાકી તો, હું ન્યાયના કામમાં શું સમજું ?”

શિવરાજે અજાયબીથી ઊંચે જોયું. અમદાવાદથી આઘાત ખાઈને પાછી વળેલી સરસ્વતી સાચોસાચ નવો જીવન-પલટો કરી શકી હતી કે કેમ તેની એને શંકા હતી. બાપની મોંએ ચડાવેલી લાડકી પુત્રી — અને તેમાં પાછો જાહેર ભાષણોનાં વ્યાસપીઠો પરથી પીધેલો તાળી-ગગડાટોનો નશો : એ નશાની પ્યાસ ફરી વાર સરસ્વતીને લાગશે ત્યારે પાછી એ અમદાવાદ ઊપડશે, એવી એને દહેશત હતી. પણ સરસ્વતીના આ નરમ પ્રત્યુત્તરે શિવરાજને વિમાસણમાં નાખ્યો : પોતે કંઈ વધુ પડતો સખત થયો હતો.

સરસ્વતીએ ઉમેર્યું : “એ લોકોએ તમને કેમ જતા કર્યા છે તેની જ અમને તો નવાઈ લાગી છે. મારી છાતી આખી રાત ફફડતી રહે છે. તમારા મકાનમાં હું દીવો પણ મોડી રાતે દેખતી નથી.”

“મોડી રાતે તમે ઊઠીને શું મારી ચોકી કરો છો ?”

“ના, જાસૂસી કરું છું.” સરસ્વતી હસી.