પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૮૧

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગરીબનવાજ
૭૭
 


પછી મુકદ્દમાનો સપાટો શરૂ થયો. શિવરાજે આખું પ્રકરણ સમજી લીધું. બિલાસપુર રેલવેનું ઈન્સ્પેકશન લેવા આવેલા સિમલા રેલવે બોર્ડના ઇન્સ્પેક્ટરની સ્પેશિયલ નીકળી હતી. ઈન્સ્પેક્ટર બિલાસપુરથી મોડા ઊપડ્યા હતા. એમને દિલ્હી પહોંચવાની ઉતાવળ હતી. એણે ‘મેક્સિમમ સ્પીડ’ (વધુમાં વધુ વેગ)થી ગાડી દોડાવવા હુકમ કર્યો હતો. એ અંધારી રાત હતી. ખેડુ ધરમાનું ગાડું લેવલ-ક્રોસિંગ પર ઝપાટામાં આવી ગયું.

“લેવલ-ક્રોસિંગ પર ફાટક છે ?”

“ના.”

“માણસ રહે છે ?”

“ના.”

“કેમ નહીં ?”

“આજ સુધી કદી જરૂર નથી જણાઈ.”

“એટલે કે ઢોર નથી કપાયાં ?”

“ફરિયાદ નથી થઈ.”

“એમ કાંઈ હોય, સાહેબ ?” ધરમો વચ્ચે બોલ્યો, “ગણી દેખાડું: પદમાનું ગાડું ચેપા થઈ ગયું પરારને દુકાળે ભરડી ગામના બામણની ભેંસ કપાઈ ગઈ હતી મોર્યના વરસે. તીથી અગાઉ પબા કુંભારનાં ચાર ગધેડાં કપાઈ ગ્યાં; ને મારી છોકરીનો તો સા’બ, સાતમો બનાવ છે આ ત્રણ વરસની અંદર —”

“તારી છોકરીનો,” શિવરાજ ચમક્યો, “કે તારા બળદનો ?”

“એટલે એમ થયું સા’બ, કે છોકરી ગાડું હાંકતી’તી. હું રતાંધળો છું તે છોકરીને હાંકવા બેસાડી. એમાં ઓચિંતાનું ઝોકાર અંજવાળું પડ્યું. ઢાંઢા અંજાઈને રઘવાયા થ્યા ને જોતર તોડાવીને ખાબકી પડ્યા ગાડીના મારગમાં.”

“છોકરીને કંઈ ન થયું ?”.

“ના, સા’બ.”

“ક્યાં છે છોકરી ?”

“મરી ગઈ.”

"ક્યારે ?”

“વળતે દી સવારે જ.”

“તું તો કહે છે કે કાંઈ નહોતું થયું !”

“ના, સાહેબ, બીજું કાંઈ નો’તું થ્યું પણ બે ખાઈ ગઈ’તી. ઢાંઢા કપાતા ભાળ્યાને, એટલે એને તાવ ચડ્યો, ચમક ઊપડી ને મરી ગઈ.”

“એ તેં કેમ નથી લખ્યું અરજીમાં ?”

“એનું શું લખાય, સાબ ? તાવથી મૂઈ એની તો નુકસાની કોણ આપે ?” કહીને ધરમો હસ્યો.

“તને આ બધું કોણે સમજાવ્યું ?”

“કોરટમાં કાંઈ પે’લી વાર થોડો આવું છું, સા’બ ? આ સોત થઈને તો પંદર ફેરા થ્યા… વકીલુંની આટલી દલીલું સાંભળી. છોકરીનું તો ઠીક, સા’બ, અમથી જીવતી હતી તોય મૂઆ જેવી જ હતી — એના ધણીએ કાઢી મેલી’તી. લખણું કરી દેતા નો’તા, ને હું મોકલતો તો મારી મારીને અધમૂઈ કરતા. ઈ તો છૂટી સા’બ. માણસનાં કાંઈ નાણાં લેવાય છે !