આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ફક્ત કોરીયાનાં મનુષ્યોજ નહિ પણ ચીન અને જાપાનના નિવાસીઓ પણ એ પ્રદેશની ભવ્યતા ઉપર મોહી પડેલા છે. દસ હજાર ગિરિ–શિખરોથી છવાયેલો એ દેશ, તોફાને ચડેલા એકાદ સમુદ્ર જેવો જણાય છે. આખા મુલકમાં ક્યાંક ક્યાંક ગીચ ઝાડીઓ ઝુકી રહી છે, તો બીજી બાજુ ઘણા પ્રદેશપર કેવળ વનસ્પતિ વિહોણા પહાડો ઉભા ઉભા તપે છે, પ્રત્યેક પ્હાડમાં, અને ખીણમાં ઝરણાં દોડા દોડ કરે છે. ત્યાં મોટી નદીઓ બહુ ઓછી છે.

રોમ નગરની ઉત્પત્તિ પહેલાં દોઢ હજાર વરસ ઉપર, અને ઇસુખ્રીસ્તના જન્મથી અઢી હજાર વરસ પૂર્વે કોરીઆના ઇતિહાસનો આરંભ થાય છે. સ્વર્ગના સરજનહારનો એક કુમાર, પોતાના દેવદૂતોને લઇ પૃથ્વી પર ઉતર્યો, અને આ ઉજ્જડ દ્વીપકલ્પના એક પ્હાડ ઉપર ચંદનના ઝાડ નીચે એણે આસન માંડ્યું, એક હજાર વરસ સુધી એણે રાજ્ય ચલાવ્યું. આખરે, પોતાનું અસલ દેવ–સ્વરૂપ ધારણ કરીને એ અમર–લોકમાં સ–શરીરે ચાલ્યો ગયો. એના રાજ્યના સ્મરણ અવશેષો હજુ યે મોજુદ છે. એક ટાપુની અંદર પહાડ ઉપર એણે બંધાવેલી યજ્ઞ—વેદી હજુ હયાત છે. ત્યાર પછી એના પુત્રે રાજ્ય કરેલું.