આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બિમારી વખતે દાક્તરી આજારો જ ઉપયોગમાં ન લઈ શકાયાં. અને રાજાઓએ જીવ ખોયો. રાજા મરે એટલે આખી પ્રજા ત્રણ વરસ સુધી શોક પાળે; તેમાં પહેલાં પાંચ માસ સુધી વિવાહ બંધ, જાહેર કે ખાનગી મ્હેફિલો બંધ, પશુઓની કતલ બંધ, અપરાધીઓનો પ્રાણદંડ ન થાય, અને અણરંગેલ શણનાંજ કપડાં સહુથી પહેરાય.

રાજાની મરજી એજ કાયદો. પ્રજાનાં જાનમાલ રાજાના હાથમાં હતાં. રાજા શાણો હોય તો આ રાજસત્તા પ્રજાનું મંગલ કરી શકતી, અને રાજા નબળો હોય ત્યારે પ્રજાનું નિકંદન નીકળતું.

આ રીતે પ્રજા આશાહીન, લાઈલાજ, ને હૃદયહીન બનતી ગઈ, અને ભૂખમરો તો પ્રજાને આંગણે પ્રત્યેક વરસે હાજર જ હતો.

કોરીયાની અંદર રમણીઓની હાલત બહુ બુરી બની ગએલી.

ઘરના ઘા ખાઈ ખાઈને છેક જેર થઈ ગયેલી પ્રજા બહારના હુમલાઓ સામે ક્યાં સુધી છાતી ધરી શકે ? કોરીયા ભાંગ્યું તે જાપાનની તલવારથી નહિ–ઘરનાં પીડનોથી.[૧]


  1. *જાપાનના પક્ષપાતી “Story of Korea” એ પુસ્તકને આધારે લખાયોલું આ પ્રકરણ છે.
૧૮