આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરતા ગયા, અને આશરે ત્રીશ લાખ મનુષ્યોની કતલ કરતા ગયા, જેની અંદર ર૭ લાખ તો નિર્દોષ, નિઃશસ્ત્ર બચ્ચાં, બૈરાં અને પુરૂષો હતાં. સાત વરસ સુધીની ઝપ્પાઝપ્પીનું આ પરિણામ આવ્યું.

કોરીયાની આ મહેમાની ચાખી ગયેલું જાપાન બીજાં ૩૦૦ વરસ સુધી ફરી ન ડોકાયું. ચીન પોતાના એ ન્હાના મિત્ર કોરીયાને પોતાની પાંખમાં લઈને બેઠેલું. જાપાનની લોલુપ આંખો તો આઘે આઘેથી પણ ટાંપીનેજ બેઠેલી.

૧૮૭૬ ના વરસમાં જાપાનના કેટલાએક માણસો કોરીઆને કિનારે ઉતર્યા. કોરીઆવાસીઓ કહે કે અમારા દેશમાં નહિ ઉતરવા દઈએ. ઝપ્પાઝપ્પી જામી. જાપાનીઓના લોહી રેડાયાં. જાપાની સરકારનો કોપ ફાટી નીકળ્યો. એ કહે કે કાં તો લડાઈ કરો, નહિ તો અમારા વેપારને માટે થોડાં બંદરો ખુલ્લાં મૂકો. કોરીયાએ કબૂલ કર્યું. તહનામાની શરતો લખાણી. કોરીયાએ તો માગણી કરી નહોતી, તો પણ જાપાનીઓએ એ તહનામાની અંદર ‘કોરીઆ સર્વ દેશોથી સ્વતંત્ર એક દેશ છે’ એવી કલમ ઉમેરી. જાપાનનો ગુપ્ત ઇરાદો એવો હતો કે ગમે તેમ કરીને ચીનને કોરીઆનું મુરબ્બીવટ કરતું અટકાવવું.

૨૦