આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પરંતુ ઇતિહાસ એક વાત બધા દેશોમાં બોલી ગયો છે. દેશની અંદર પુરૂષજાત જ્યારે નિર્બળ બની જાય, ત્યારે અબળાઓનુ છૂપું જોશ ભભૂકી નીકળે. કોરીયાના અંતઃપુરમાં પણ એ રાજ–રમણીનું–રાણીનું હૃદય ખળભળી ઉઠ્યું. એ ચકોર નારી ચેતી ગયેલી કે જાપાનના આ કાવાદાવાની અંદર શી શી તલવારો સંતાઈ રહી છે. રાજ્યના ડાહ્યા ડમરા પ્રધાનો જે વાતનો નિકાલ દસ મહિને નહોતા લાવી શકતા એનો નિર્ણય આ અબળા દસ મીનીટમાં લાવી મૂકતી. રાજાને એણે મેણાં માર્યાં. એ વીરાંગના બોલી ઉઠી કે “શુ મ્હારી પ્રજાનું ભાગ્ય પેલા જંગલી જાપાનીઓ આવીને ઘડી આપશે ? રાજા ! આપણા રાજ્યમાં જાપાનીઓનો પગ ન હોય.”

જાપાનીઓને સમાચાર પહેાંચ્યા કે કોરીયાના રણવાસમાં એક રમણીનો પ્રાણ જાગૃત છે. જાપાની અમલદારો રાણીની પાસે ગયા, એને ફોસલાવી, ધમકી આપી, રૂશ્વત અને ખુશામતના રસ્તાઓ પણ અજમાવ્યા. મહારાણીનું એક રૂંવાડું પણ ફરક્યું નહિ, જાણે ખડક ઉપર મોજાં વ્યર્થ પછડાઈને પાછાં વળ્યાં.

પછી જાપાને એના અંતરના અંધકારમાં ઘોર મનસૂબો કર્યો. પોતાના પાડોશી રાજ્યનો રાણીનો પ્રાણ લેવો એ અલબત જાપાન જેવી સમજુ સત્તાને ગમે તો નહિ ! પણ જાપાનના હાથમાં બીજો કશો ઇલાજ નહોતો. જાપાનને તો “મહાન

૨૪