આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૬ ઠું.

દાનવને ચરણે રક્તની ભેટ.

૧૯૦૫ ના નવેમ્બરની એક પ્રભાતે જગવિખ્યાત જાપાની અધિકારી ઈટો કોરીયાને કાંઠે ઉતયો, અને તેણે રાજાના હાથમાં એક કાગળીઓ મૂક્યો, મૂકીને કહ્યું કે “સહી કરો.”

કાગળીયામાં શું હતું ?

નીચે પ્રમાણે નવા કરારો હતા:—

કોરીયાના પરદેશી સંબંધો જાપાની પરદેશ ખાતાને હસ્તક રહેશે, કોરીયાના એલચી તરીકે જાપાનીઓ પરદેશમાં નીમાશે; કોરીયામાં જાપાની રેસીડેન્ટો બંદરે બંદરે બેસી જશે; બેશરમ જાપાનની છેલ્લી કલમ એ હતી કે “કોરીયાના રાજ્યકુટુંબનું માન તેમજ સલામતી જાળવવા જાપાન ખોળાધરી આપે છે !”

રાજા તો તાજ્જુબજ બની ગયો. એણે જણાવ્યું કે “અમારી સ્વતંત્રતા રક્ષવાનાં આ તમારાં વચનો કે ?”

ઈટોએ ઉત્તર વાળ્યો કે “હું તો ચિઠ્ઠીનો ચાકર છું . કબુલ કરી લેશો તો પૂર્વની શાંતિ સચવાઈ રહેશે. જલદી જવાબ આપો.”

૩૨