આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કોરીઆની અંદર આંગણે આંગણે આક્રંદ ચાલ્યું. ઈજ્જતદાર પ્રજાજનો, મોટા અમલદારો, અને એક વખતનો યુદ્ધ ખાતાનો વૃદ્ધ સચીવ રાજા પાસે જઈને આજીજી કરવા લાગ્યા કે “કરારનામું રદ કરો.”

આંસુભરી આંખે રાજા કહે “મેં સહી નથી કરી. પણ એ રદ કરવાની તો મ્હારી તાકાત નથી.”

અરજદારો પાછા ગયા,ને ઘેર જઈ રાત્રીએ આપઘાત કરી મુવા.


રાજ મહેલને બારણે બેસી લાંઘણો ખેંચવી ને આખરે ઘેર જઈ જીવ કાઢી નાંખવો, એ કારીયાવાસીઓનો સત્યાગ્રહ.

રાજા તો રઘવાયો બન્યો હતો. પારકાની દયા ઉપર જીવનારને બીજુ શું સૂઝે ? એણે અમેરિકાના પ્રમુખ પાસે ૧૮૮૨ ની સંધિ યાદ દેવા એલચી મોકલ્યો. અમેરીકાધિપતિએ ઉત્તર દીધો, “હું નહિ મળી શકું.”

એશિયાના હૈયામાંથી આ વાત જુગ–જુગાન્તર સુધી નહિ ભૂંસાય. એક શરણાગત દેશની કથની સાંભળવા માટે અમેરિકાના હાકેમ પાસે પાંચ પળની પણ ફુરસદ નહોતી ! અને પેલો ૧૮૭ર નો પુરાણો કોલ ! “હા, હા,” અમેરિકાના હાકેમે પાછળથી ઉચ્ચારેલું, “સંધિ મુજબ તો કોરીઆની સ્વતંત્રતા રક્ષવી જોઇએ પરંતુ, શું એટલી પણ અક્કલ નથી કોરીયાને, કે પોતેજ લમણે હાથ દઇને બેસે ત્યાં પારકી પ્રજા આવીને શું કરી દેવાની હતી ?”

૩૫