આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંગીનોથી વીંધાઈ જાય, ત્યાં પાછળ બીજું ટોળું “મા, મા,” કરતુ છાતી ધરી ઉભું રહે. બીજું ટોળું કપાઈ જાય, એટલે ત્રીજું તૈયાર ખડું હોય.

પ્રભુની અદૃશ્ય ને શસ્ત્રહીન સેના જાણે ઝબકીને દેખાવા લાગે.

એક દયાળુ પરદેશીએ એક કોરીયન કુમારિકાને રસ્તામાં ચેતાવી, “સાવધાન, ઝુમ્બેશમાં ભળીશ ના. લશ્કર ચાલ્યું આવે છે.” બાલિકાનું મ્હોં મલક્યું, પરદેશી સજ્જનનો આભાર માન્યો, ને “અમર રહો મા” પોકારતી ચાલી નીકળી.

કાળાં આછાં નેણવાળી આ એશીયાની રમણીઓ ! જેની આંખોમાં સ્વપ્ન છવાયાં છે, જેનાં અંગેઅંગમાં સૌંદર્ય ઉભરાય છે, જેનાં તરૂણ હૈયાંની અંદર જુવાનીના મીઠા મનોરથો હીંચે છે. લીલી કુંજોમાં કે સાગરને કિનારે બેસીને પ્રીતિ કરવાની ઉમ્મર આવે ત્યાં તો બંદીખાનાનાં બારણાં દેખાય, સોલ્જરોનાં સંગીનો ઝબૂકે, દારાગાઓના ક્રુર હાથ એ રમ્ય શરીરને નગ્ન કરવા ધસી આવે ! પુરૂષ જાતને શું ખબર પડશે કે આ રમણીયોનાં બલિદાનનું કેટલું મૂલ ! એ નારીહૃદયનો હુતાશ કેવો ભડભડી રહ્યો હશે કોઈ નહિ–જગતમાં કોઈ નહિ જાણે.

અને બાલકોનાં મનમાં શું શું થતું હતું ? છ વરસના એક બાલકે પોતાના બાપને કહ્યુ, “બાપુ, તમને જેલમાં ઉપાડી જશે ?”

૭૭