આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આત્મકથા : ભાગ ૧


૧. જન્મ

ગાંધી કુટુંબ પ્રથમ તો ગાંધિયાણાનો વેપાર કરનારું હોય એમ જણાય છે. પણ મારા દાદાથી માંડીને ત્રણ પેઢી થયાં તો એ કારભારું કરતું આવેલું છે. ઉત્તમચંદ ગાંધી અથવા ઓતા ગાંધી ટેકીલા હશે એમ લાગે છે. તેમને રાજખટપટને લીધે પોરબંદર છોડવું પડેલું ને જૂનાગઢ રાજ્યમાં આશ્રય લીધેલો. તેમણે નવાબ સાહેબને સલામ ડાબે હાથે કરી. કોઈએ આ દેખાતા અવિનયનું કારણ પૂછ્યું તો જવાબ મળ્યો : ‘જમણો હાથ તો પોરબંદરને દેવાઈ ચૂક્યો છે.’

ઓતા ગાંધીને એક પછી એક એમ બે ઘર થયેલાં. પહેલાથી તેમને ચાર દીકરા હતા અને બીજાથી બે. આ ભાઈઓ ઓરમાયા હતા એવો ખ્‍યાલ મને બચપણ યાદ કરતાં આવતો જ નથી. આમાંના પાંચમા કરમચંદ અથવા કબા ગાંધી અને છેલ્‍લા તુલસીદાસ ગાંધી. બંને ભાઈએ વારાફરતી પોરબંદરમાં કારભારું કર્યું. કબા ગાંધી તે મારા પિતાશ્રી. પોરબંદરનું કારભારું છોડ્યા પછી પોતે રાજસ્‍થાનિક કોર્ટમાં સભાસદ હતા. પછી રાજકોટમાં અને થોડો સમય વાંકાનેરમાં દીવાન હતા. મરણવેળાએ રાજકોટ દરબારના પેન્‍શનર હતા.

કબા ગાંધીને પણ એક પછી એક ચાર ઘર થયેલાં. પહેલાં બેથી બે દીકરીઓ હતી; છેલ્‍લાં પૂતળીબાઈથી એક દીકરી અને ત્રણ દીકરા. તેમાંનો છેલ્‍લો હું.

પિતા કુટુંબપ્રેમી, સત્‍યપ્રીય, શૂરા, ઉદાર પણ ક્રોધી હતા. કંઈક વિષયને વિશે આસકત પણ હશે. તેમનો છેલ્‍લો વિવાહ ચાળીસમા વર્ષ પછી થયેલો. તેઓ લાંચથી દૂર ભાગતા, તેથી શુદ્ધ ન્‍યાય આપતા એવી અમારા કુટુંબમાં અને બહાર વાયકા હતી. રાજ્યના બહુ વફાદાર હતા. એક વેળા કોઈ પ્રાંતના સાહેબે રાજકોટના ઠાકોરસાહેબનું અપમાન કરેલું, તેની સામે તેઓ થયેલા. સાહેબ ગુસ્‍સે થયા, કબા ગાંધીને માફી