આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાઠિયાવાડ એટલે નાનાં અનેક રાજ્યોનો મુલક. અહીં મુસદ્દીવર્ગનો પાક તો ભારે હોય જ. રાજ્યો વચ્ચે ઝીણી ખટપટ, હોદ્દો જમાવવા સારુ ખટપટ, રાજાના કાચા કાન, રાજા પરવશ. સાહેબોના પટાવાળા સમાન ખુશામત; શિરસ્તેદાર એટાલે દોઢ સાહેબ, કેમકે શિરસ્તેદાર એ સાહેબની આંખ, તેના કાન, તેનો દુભાષિયો. શિરસ્તેદાર ધારે એ જ કાયદો શિરસ્તેદારની અવક સાહેબની આવક કરતાં વહારે ગણાતી. આમાં અતિશયોક્તિ હોવાનો સંભવ ખરો. પણ શિરસ્તેદારના ટૂંક પગારના પ્રમાણમાં તેનો ખર્ચ અવશ્ય વધારે રહેતો.

આ વાતાવરણ મને ઝેર સમાન લાગ્યું. હું મારી સ્વતંત્રતા કેમ બચાવી શકીશ એ વિચાર મને રહ્યા જ કરે.

હું ઉદાસીન બન્યો. ભાઈએ મારી ઉદાસીનતા જોઈ. ક્યાંક નોકરી લઈને બેસી જવાથી હું ખટપટમાંથી મુક્ત રહી શકું એ એક વિચાર ચાલ્યો. પણ ખટપટ વિના કારભારું કે ન્યાયાધીશપણું ક્યાંથી મળે?

વકીલાત કરતાં સાહેબની સાથેનો ઝઘડો વચ્ચે આવતો હતો.

પોરબંદરમાં ઍડમિનિસ્ટ્રૅશન હતું. ત્યાં રાણાસાહેબને સારુ કઈંક સત્તા મેળવવાનો પ્રયત્ન કરવાનો હતો. મેર લોકોની પાસેથી વધારે પડતી વિઘોટી લેવાતી હતી. તે બાબત પણ મારે ત્યાંના ઍડમિનિસ્ટ્રેટરને મળવાનું હતું. મેં જોયું કે ઍડમિનિસ્ટ્રેટર દેશી હતા, ઘતાં તેમનો રુઆબ તો સાહેબથીયે વધારે હતો. તેમનામાં હોશિયારી હતી. પણ તેમની હોશિયારીનો લાભ રૈયતને બહુ મળ્યો એમ હું ન જોઈ શક્યો. રાણા સાહેબને થોડી સત્તા મળી. મેર લોકોને તો કંઈ જ ન મળ્યું એમ કહેવાય. તેમનો કેસ પૂરો તપાસાયો એમ પણ મને ન લાગ્યું.

એટલે અહીં પણ હું પ્રમાણમાં નિરાશ થયો. મને લાગ્યું કે ઈન્સાફ ન મળ્યો. ઈન્સાફ મેળવવા સારુ મારી પાસે સાધન નહોતું. બહુ થાય તો મોટા સાહેબને અપીલ કરાય. તેનો શેરો થાય, 'અમે આ કામમાં વચ્ચે નથી પડી શકતા.' આવા ફેંસલાની પાછળ જો કોઈ કાયદા કાનૂન હોય તો આશા રહે. અહીં તો સાહેબની મરજી તે કાનૂન.

હું અકળાયો.

દરમ્યાન ભાઈની પાસે પોરબંદરની એક મેમણ પેઢીનું કહેણ આવ્યું: