આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'આમારો વેપાર દક્ષિણ આફ્રિકામાં છે. અમારી પેઢી મોટી છે. અમારો એક મોટો કેસ ચાલે છે. દાવો ચાળીસ હજાર પાઉંડનો છે. કેસ ઘણો વખત થયાં ચાલી રહ્યો છે. અમારી પાસે સારામાં સારા વકીલબારિસ્ટરો છે. જો તમારા ભાઈને મોકલો તો તે અમને મદદ કરે ને તેને પણ કઈંક મદદ મળે. તે અમારો કેસ અમારા વકીલને સારી રીતે સમજાવી શકશે. વળી, તે નવો મુલક જોશે ને ઘણાં નવાં માણસોની ઓળખાણ કરશે.'

ભાઈએ મારી પાસે વાત કરી. હું આ બધાનો અર્થ સમજી ન શક્યો.મારે માત્ર વકીલને સમજાવવાનું કામ જ કરવું પડશે કે કોર્ટમાં પણ જવું રહેશે એ ન જાણી શક્યો. પણ હું લલચાયો.

દાદા અબદુલ્લાના ભાગીદાર મરહૂમ શેઠ અબદુલ કરીમ ઝવેરીની ભેટ મારા ભાઈએ કરાવી. શેઠે કહ્યું: 'તમને ઝાઝી મહેનત નહીં પડે. અમારે મોટા ગોરાઓની સાથે દોસ્તી છે. એમની તમે ઓળખાણ કરશો. અમારી દુકાનમાં પણ તમે મદદ કરી શકશો. અમારે અંગ્રેજી પત્રવ્યવહાર ઘણો રહે છે. તેમાં પણ તમે મદદ કરી શકશો. તમારું રહેવાનું અમારા બંગલામાં જ થશે, એટલે તમારા ઉપર કંઈ જ ખર્ચ નહીં પડે.'

મેં પૂછ્યું : 'મરી નોકરી તમે કેટલી મુદ્દત સુધી માગો છો? મને તમે પગાર શું આપશો?'

તમારું કામ એક વર્ષથી વધારે નહીં પડે. તમને ફર્સ્ટ ક્લાસનું આવવાજવાનું ભાડું ને રહેવા તથા ખાધા ખર્ચ ઉપરાંત ૧૦૫ પાઉંડ આપીશું.'

આ કંઈ વકીલાત ન કહેવાય. આ નોકરી હતી. પણ મારે તો જ્યાં ત્યાંથી હિંદુસ્તાન છોડવું હતું. નવો મુલક જોવા મળશે ને અનુભવ મળશે તે જુદો. ૧૦૫ પાઉંડ ભાઈને મોકલીશ એટલે ઘર ખર્ચમાં કંઈક મદદ થશે. આમ વિચાર કરી મેં તો પગાર વિષે રકઝક કર્યા વિના શેઠ અબદુલ કરીમની દરખાસ્ત કબૂલ રાખી ને દક્ષિણ આફ્રિકા જવા તૈયાર થયો.