આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપર ખેંચી લીધો, ને સ્ટીમર ચાલતી થઈ! બીજા ઉતારુઓ રહી ગયા. કપ્તાને આપેલી ચેતવણીનો અર્થ હવે સમજ્યો.

લામુથી મોમ્બાસા ને ત્યાંથી ઝાંઝીબાર પહોંચ્યા. ઝાંઝીબરમાં તો બહુ જ રોકાવાનું હતું ‌- આઠ કે દસ દિવસ. અહીં નવી સ્ટીમરમાં બદલવાનું હતું.

કપ્તાનના પ્રેમનો કંઈ પાર નહોતો. આ પ્રેમે મારે સારુ ઊલટું સ્વરૂપ પકડ્યું. તેણે મને પોતાની સાથે સહેલ કરવા જવા નોતર્યો. એક અંગ્રેજ મિત્રને પણ નોતર્યો હતો. અમે ત્રણે કપ્તાનન મછવામાં ઊતર્યા. આ સહેલનો મર્મ હું મુદ્દલ નહોતો સમજ્યો. કપ્તાનને શી ખબર કે હું આવી બાબતોમાં છેક અજાણ્યો હોઈશ? અમે તો હબ્સી ઓરતોના વાડામાં પહોંચ્યા. એક દલાલ અમને ત્યાં લઈ ગયેલો. દરેક એક એક કોટડીમાં પુરાયા. પણ હું તો શરમનો માર્યો કોટડીમાં પુરાઈ જ રહ્યો. પેલી બાઈ બિચારીને શા વિચાર આવ્યાં હશે એ તો તે જ જાણે. કપ્તાને બૂમ મારી. હું તો જેવો અંદર દાખલ થયો હતો તેવો જ બહાર નીકળ્યો. કપ્તાન મારું ભોળપણ સમજી ગયો. પ્રથમતો મને બહુજ ભોંઠપ લાગી. પણ આ કાર્ય કોઈ રીતે હું પસંદ કરી શકું તેમ નહોતું જ, તેથી તરત જ તે જતી રહી ને મેં ઈશ્વરનો પાડ માન્યો કે પેલી બહેનને જોઈ મને વિકાર સરખો પણ પેદા ન થયો. મને મારી નબળાઈ તરફ તિરસ્કાર ઊપજ્યો કે હું કોટડીમાં પુરાવાની જ ના પાડવાની હિંમત ન કરી શક્યો.

આ મારી જિંદગીની આવા પ્રકરની ત્રીજી કસોટી હતી. કેટલાયે જુવાનિયા પ્રથમ નિર્દોષ હોવા છતાં ખોટી શરમથી દોષમાં પડતા હશે. મારું બચવું મારા પુરુષાર્થને આભારી નહોતું. જો મેં કોટડીમાં પુરાવાની ચોખ્ખી ના પાડી હોત તો તે પુરુષાર્થ ગણાત. મારા બચવાને સારુ મારે તો પાડ કેવળ ઈશ્વરનો જ માનવો રહ્યો છે. પણ આ કિસ્સાથી મારી ઈશ્વર ઉપરની આસ્થા વધી ને ખોટી શરમ છોડવાની હિંમત પણ કઈંક શીખ્યો.

ઝાંઝીબારમાં એક અઠવાડિયું ગાળવાનું હતું. તેથી હું એક મકાન ભાડે લઈ શહેરમાં રહ્યો.શહેર ખૂબ ફરી ફરીને જોયું. ઝાંઝીબારનો લીલોતરીનો ખ્યાલ માત્ર મલબારમાં જ આવી શકે. ત્યાંના વિશાળ ઝાડો, ત્યાંના મોટાં ફળો, ઈત્યાદિ જોઈ હું તો ચકિત થઈ ગયો.