આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લીધાં હતાં. ગાડી કરી, ગ્રેન્ડ નેશનલ હોટેલમાં હાંકી જવા તેને કહ્યું. ત્યાં પહોંચતાં મૅનેજરની પાસે ગયો. જગ્યા માગી. મૅનેજરે ક્ષણ વાર મને નિહાળ્યો. વિવેકની ભાષા વાપરી, 'હું દિલગીર છું, બધી કોટડીઓ ભરાઇ ગઈ છે.' આમ કહી મને વિદાય કર્યો! એટલે મેં ગાડીવાળાને મહમદ કાસમ કમરુદ્દીનની દુકાને હાંકી જવાને કહ્યું. ત્યાં તો અબદુલ ગની શેઠ મારી રાહ જ જોઈ રહ્યા હતા. તેમણે મને વધાવી લીધો. હોટેલમાં મારા ઉપર વીતેલી વાત તેમને કહી બતાવી. તેઓ ખડખડ હસી પડ્યા. 'હોટેલમાં તે વળી આપણને ઊતરવા દે કે?'

મેં પૂછ્યું: 'કેમ નહીં?'

'એ તો તમે જ્યારે તમે થોડા દિવસ રહેશો ત્યારે જાણશો. આ દેશમાં તો અમે જ રહી શકીએ. કારણ, અમારે પૈસા કમાવા છે. એટલે, ઘણાંય અપમાન સહન કરીએ છીએ, અને પડ્યા છીએ' એમ કહી તેમણે ટ્રાન્સવાલમાં પડતાં દુઃખોનો ઇતિહાસ કહી સંભળાવ્યો.

આ અબ્દુલ ગની શેઠનો પરિચય આપણે આગળ જતાં વધારે કરવો પડશે. તેમણે કહ્યું, 'આ મુલક તમારા જેવાને સારુ નથી. જુઓને, તમારે કાલે પ્રિટોરિઆ જવું છે. તેમાં તમને તો ત્રીજા વર્ગમાં જ જગ્યા મળશે. ટ્રાન્સવાલમાં નાતાલ કરતાં વધારે દુઃખ. અહીં આપણા લોકોને પહેલા કે બીજા વર્ગમાં ટિકિટ આપતા જ નથી.'

મેં કહ્યું, 'તમે એનો પૂરો પ્રયત્ન નહીં કર્યો હોય.'

અબદુલ ગની શેઠ બોલ્યા, 'અમે કાગળવહેવાર તો ચલાવ્યો છે, પણ આપણા માણસો ઘણા પહેલાબીજા વર્ગમાં બેસવા ઇચ્છે પણ શાના?'

મેં રેલવેના કાયદા માગ્યા. તે જોયા. તેમાં બારી હતી. ટ્રાન્સવાલના અસલી કાયદાઓ બારીકીથી નહોતા ઘડાતા. રેલવે ધારાનું તો પૂછવું જ શું હોય?

મેં શેઠને કહ્યું, 'હું તો ફર્સ્ટ ક્લાસમાં જ જઈશ. અને તેમ નહીં જવાય તો પ્રિટોરિયા અહીંથી સાડત્રીસ જ માઇલ છે ત્યાં હું ઘોડાગાડી કરીને જઈશ.'

અબદુલ ગની શેઠે તેમાં થતા ખર્ચ અને લાગતા વખત તરફ મારું ધ્યાન ખેંચ્યું. પણ મારી સૂચનાને અનુકૂળ થયા, અને સ્ટેશન-માસ્તર ઉપર