આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ સ્ટેશને હોટલમાં મને દાખલ કરવાની અને રકઝક બાદ દાખલ કર્યા પછી ખાણાઘરમાં જમવા દેવાની હોટેલના માલિકે ના પાડી. પણ મિ. બેકર એમ નમતું મેલે તેમ નહોતા. તેઓ હોટેલમાં ઊતરનારના હક ઉપર કાયમ રહ્યા. પણ તેમની મુશ્કેલી હું કળી શક્યો. વેલિંગ્ટનમાંયે મારો ઉતારો તેમની સાથે જ હતો. ત્યાં પણ ઝીણી ઝીણી અગવડો, તે ઢાંકવાના તેમના શુભ પ્રયત્નો છતાં, હું જોઇ જતો હતો.

સંમેલનમાં ભાવિક ખ્રિસ્તીઓનો મેળાપ થયો. તેમની શ્રદ્ધા જોઇ હું રાજી થયો. મિ. મરેની મુલાકાત કરી. મારે સારુ ઘણા પ્રાર્થના કરતા હતા એમ મેં જોયું. તેમનાં કેટલાંક ભજનો મને બહુ મીઠાં લાગ્યાં.

સંમેલન ત્રણ દિવસ ચાલ્યું. સંમેલનમાં આવનારાની ધાર્મિકતા હું સમજી શક્યો, તેની કદર કરી શક્યો. પણ મને મારી માન્યતામાં—મારા ધર્મમાં—ફેરફાર કરવાનું કારણ ન મળ્યું. હું મને ખ્રિસ્તી કહેવડાવીને જ સ્વર્ગે જઈ શકું કે મોક્ષ મેળવી શકું એવું મને ન જણાયું. આ વાત મેં જ્યારે ભલા ખ્રિસ્તી મિત્રોને જણાવી ત્યારે તેમને આઘાત તો પહોંચ્યો, પણ હું લાચાર હતો.

મારી મુશ્કેલીઓ ઊંડી હતી. 'ઈશુ ખ્રિસ્ત એ જ એક ઈશ્વરનો પુત્ર છે, તેને જે માને તે તરે,' એ વાત મને ગળે ન ઊતરે. ઈશ્વરને જો પુત્રો હોઇ શકે તો આપણે બધા તેના પુત્રો છીએ. ઈશુ જો ઈશ્વરસમ હોય, ઈશ્વર જ હોય, તો મનુષ્યમાત્ર ઈશ્વરસમ છે; ઈશ્વર થઈ શકે. ઈશુના મૃત્યુથી ને તેના લોહીથી જગતનાં પાપ ધોવાય એ અક્ષરશઃ અર્થમાં માનવા બુદ્ધિ તૈયાર જ ન થાય. રૂપક તરીકે તેમાં સત્ય ભલે હો. વળી ખ્રિસ્તી માન્યતા મુજબ મનુષ્યને જ આત્મા છે, બીજા જીવોને નથી, ને દેહના નાશની સાથે તેમનો સર્વનાશ થઈ જાય છે; ત્યારે મારી માન્યતા આથી વિરુદ્ધ હતી. ઈશુને એક ત્યાગી, મહાત્મા, દૈવી શિક્ષક તરીકે હું સ્વીકારી શકતો હતો, પણ તેને અદ્વિતીય પુરુષરૂપે નહોતો સ્વીકરી શકતો. ઈશુના મૃત્યુથી જગતને ભારે દૃષ્ટાંત મળ્યું, પણ તેનાં મૃત્યુમાં કંઈ ગુહ્ય ચમત્કારી અસર હતી એમ મારું હ્રદય સ્વીકારી નહોતું શકતું. ખ્રિસ્તીઓના પવિત્ર જીવનમાંથી મને એવું ન મળ્યું કે જે બીજા ધર્મીઓના જીવનમાંથી નહોતું મળતું. તેમનાં પરિવર્તન જેવાં જ