આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેં અબદુલ્લા શેઠને પૂછ્યું. તેમણે કહ્યું, ’આવી બાબતમાં અમે શું જાણીએ ? અમને તો વેપાર ઉપર કંઈ આફત આવે તો તેની ખબર પડે. જુઓની, ઓરેંજ ફ્રી સ્ટેટમાં અમારા વેપારની જડ ઊખડી ગઈ. તે બાબત અમે મહેનત કરી. પણ અમે તો અપંગ રહ્યા. છાપાં વાંચીએ તોયે ભાવતાલ જેટલું સમજીએ. કાયદાની વાતોની શી ખબર પડે ? અમારાં આંખકાન અમારા ગોરા વકીલો.’

‘પણ અહીં જન્મેલા ને અંગ્રીજી ભણેલા આટલા બધા નૌજવાન હિંદીઓ આપણે ત્યાં છે તેનું શું ?’ મેં પૂછ્યું.

‘અરે ભાઈ,’ અબદુલ્લા શેઠે કપાળે હાથ મૂક્યો. ’તેમની પાસેથી તે શું મળે ? તે બિચારા આમાં શું સમજે ? તેઓ અમારી પાસે પણ ન ફરકે, ને સાચું પુછાવો તો અમે પણ તેમને ન ઓળખીએ. એ રહ્યા ખ્રિસ્તી એટલે પાદરીઓના પંજામાં. અને પાદરીઓ ગોરા, તે સરકારને તાબે !’

મારી આંખ ઊઘડી. આ વર્ગને અપનાવવો જોઈએ. ખ્રિસ્તી ધર્મનો આ જ અર્થ ? તેઓ ખ્રિસ્તી એટલે દેશના મટ્યા ? ને પરદેશી થયા ?

પણ મારે તો દેશ પાછા ફરવું હતું એટલે ઉપરના વિચારોને મેં મૂર્તિમંત ન કર્યા. અબદુલ્લા શેઠને પૂછ્યું :

‘પણ આ કાયદો જો એમ ને એમ પસાર થાય તો તમને ભારે પડવાનો. આ તો હિંદીઓની હસ્તીના નાશનું પહેલું પગથિયું છે. આમાં સ્વમાનની હાનિ છે.’

‘તે હોય. પણ તમને હું આ ફરેંચાઈઝ (આમ અંગ્રેજી ભાષાના ઘણા શબ્દો પલટાઈને દેશીઓમાં રૂઢ થઈ ગયા હતા. ’મતાધિકાર’ કહો તો કોઈ ન સમજે.)નો ઇતિહાસ કહું. અમે તો એમાં કંઈ જ ન સમજીએ. પણ આપણો મોટો વકીલ મિ.એસ્કંબ છે એ તો તમે જાણો જ છો. એ જબરો લડવૈયો છે. તેની ને અહીંના ફુરજાના એંજિનિયરની વચ્ચે ખૂબ લડાઈ ચાલે છે. મિ.એસ્કંબને ધારાસભામાં જવામાં આ લડાઈ આડે આવતી હતી. તેણે અમને અમારી સ્થિતિનું ભાન કરાવ્યું. તેના કહેવાથી અમે અમારાં નામ મતાધિકાર પત્રમાં નોંધાવ્યાં ને તે બધા મત મિ.એસ્કંબને આપ્યા. હવે તમે જોશો કે અમે આ મતની કિંમત તમે આંકો છો તેવી કેમ નથી આંકી. પણ તમે કહો છો તે હવે અમારાથી